Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

બંગાળમાં ચાર, યુપીમાં વધુ ત્રણ રેલી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તૈયાર

ઉત્તરપ્રદેશ અને બંગાળ ઉપર તમામ ધ્યાન : બંને રાજ્યોમાં વધુને વધુ સીટો જીતવાના ઇરાદાની સાથે ઝંઝાવતી પ્રચાર કરશે : બધુ ધ્યાન સાતમાં તબક્કા ઉપર

નવી દિલ્હી, તા. ૧૩ : લોકસભા ચૂંટણીમાં ભાજપના શાનદાર દેખાવની બાબત હવે ઉત્તરપ્રદેશમાં તેના દેખાવ ઉપર આધારિત થઇ ગઇ છે. વર્ષ ૨૦૧૪માં ભાજપે ૮૦ ૈપૈકીની ૭૧ સીટો ઉપર જીત મેળવી હતી. પશ્ચિમ બંગાળમાં ૪૨ સીટો પૈકી ભારતીય જનતા પાર્ટી કેટલી સીટો જીતી શકે છે તેના ઉપર પણ ઘણી બધી બાબતો આધાર રાખે છે. સાતમાં તબક્કામાં મોદીએ હવે ઉત્તરપ્રદેશ અને બંગાળ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. ઉત્તરપ્રદેશમાં ત્રણ અને બંગાળમાં સરેરાશ રોજ બે રેલી કરવામાં આવનાર છે. બંને રાજ્યોમાં પોતાની પાર્ટીની સ્થિતિને સુધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં ચોથા તબક્કા સુધી વડાપ્રધાને માત્ર સાત રેલી કરી હતી પરંતુ અવધ અને પૂર્વાંચલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યા બાદ હવે તમામ ધ્યાન  રેલીઓની સંખ્યા વધારવા ઉપર કેન્દ્રિત થઇ ગયું છે. પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશમાં તમામ તાકાત લગાવી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણીમાં હવે માત્ર એક તબક્કો બાકી રહ્યો છે ત્યારે ૧૯મી મેના દિવસે મતદાન થાય તે પહેલા ઉત્તરપ્રદેશમાં વધુ ત્રણ અને બંગાળમાં વધુ ચાર રેલી મોદી કરનાર છે. આને લઇને પણ જોરદાર ઉત્સાહ બંને રાજ્યોમાં દેખાઇ રહ્યો છે. ૨૦૧૪માં મધ્યપ્રદેશમાં ભાજપે ૨૯ સીટ પૈકી ૨૭ સીટો જીતી હતી. વડાપ્રધાને માત્ર પાંચ જ રેલી આ રાજ્યમાં કરી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, બે તબક્કામાં અનેક મહત્વપૂર્ણ બાબતો ભાજપને મદદરુપ થઇ શકે છે. વધુ તબક્કામાં મતદાન હોવાથી પણ ભાજપને ફાયદો થશે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં ઉત્તર બંગાળની બે સીટો ઉપર મતદાન થયું હતું. તે વખતે મોદીએ માત્ર એક રેલી સાતમી એપ્રિલના દિવસે કુચબિહારમાં યોજી હતી. ચૂંટણીના ચાર દિવસ પહેલા આ રેલી યોજવામાં આવી હતી. આગલા તબક્કામાં ઉત્તર બંગાળની ચૂંટણી પહેલા ત્રણ રેલી કરવામાં આવી હતી. મોદીએ એ ગાળામાં શાનદાર દેખાવ કરવાના ઉત્સાહ સાથે રેલી કરી હતી. ચૂંટણી હવે છઠ્ઠા તબક્કામાં આગળ વધી હતી ત્યારે કોલકાતા અને આસપાસની બેઠકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. પાંચમાં અને છઠ્ઠા તબક્કા વચ્ચે મોદીએ બંગાળમાં ચાર રેલીઓ કરી હતી જેમાં ઝારગ્રામ, તામલુક, બંકુરા અને કુરુલિયાનો સમાવેશ થાય છે. આ પ્રદેશમાં ભાજપ શાનદાર દેખાવ કરવા માટે આશાવાદી છે. ઝારખંડની સરહદ ઉપર સ્થિત હોવાથી આ જગ્યાએ ભાજપની તકો ખુબ સારી છે.

વારાણસી પર તમામનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું...

તમામ પાર્ટીઓના મોટા શો

નવીદિલ્હી, તા. ૧૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી ઉપર તમામ ધ્યાન કેન્દ્રિત કરી ચુક્યા છે. બીજી બાજુ તમામ મોટા રાજકીય પક્ષો પણ વારાણસી ઉપર હવે નજર કરી રહ્યા છે જ્યાં સાતમાં અને અંતિમ તબક્કામાં મતદાન યોજાનાર છે. નરેન્દ્ર મોદી ઉપર પણ અહીં પહોંચનાર છે. બીજી બાજુ પ્રિયંકા ગાંધી દ્વારા આવતીકાલે બુધવારના દિવસે રોડ શો યોજવામાં આવનાર છે. માયા અને અખિલેશ દ્વારા પણ એક સંયુક્ત રેલી કરવામાં આવનાર છે. વારાણસીમાં ૧૬મી સુધી વડાપ્રધાન કોઇ કાર્યક્રમ ધરાવતા નથી પરંતુ ૧૭મી મેના દિવસે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મોદી ફરીવાર પહોંચશે. નોમિનેશનના દિવસે મોદી વારાણસી પહોંચ્યા હતા જ્યાં તેઓએ સંબોધનમાં કહ્યું હતું કે, ૧૯મી મેના દિવસે મતદાન પહેલા તેઓ પહોંચશે નહીં. દેશભરના લોકો સમક્ષ તેઓએ આ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, તેઓ ૧૬મી મેના દિવસે નજીકના મતવિસ્તાર મિરઝાપુરમાં પ્રચાર કરશે ત્યાંથી પશ્ચિમ બંગાળમાં એજ દિવસે બે રેલી કરવા પહોંચશે. પ્રિયંકા ગાંધી અજય રાયના સમર્થનમાં રોડ શો કરનાર છે. વારાણસીની બેઠક ઉપર સીધી સ્પર્ધા દેખાઈ રહી નથી. મોદી દ્વારા નામાંકનના દિવસે રોડ શો કરાયા બાદ અહીં તેમની જીત એક તરફી બનેલી છે.

(12:00 am IST)