Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

સુનંદા પુષ્કર કેસ : અંતે ચાર્જશીટ દાખલ : શશી થરૂર ઉપર આરોપો

સુનંદાને આત્મહત્યા કરવા ઉશ્કેરવાનો શશી થરુર ઉપર આરોપ : પટિયાલા હાઉસ કોર્ટમાં કલમ ૩૦૬ અને ૪૯૮એ હેઠળ ચાર્જશીટ દાખલ કરાઈ : વ્યાપક લડાઈ ઝગડા, ક્રૂરતાના લીધે સુનંદાએે આત્મહત્યા કરી હતી

નવીદિલ્હી, તા. ૧૪ : સમગ્ર દેશને હચમચાવી મુકનાર સુનંદા પુષ્કર મોતના મામલામાં દિલ્હી પોલીસે આજે ચાર્જશીટ દાખલ કરી હતી. કોંગ્રેસના નેતા શશી થરુરના પત્નિ સુનંદા પુષ્કર લીલા હોટલના રૂમ નંબર ૩૪૫માં ચાર વર્ષ અગાઉ મૃત હાલતમાં મળી આવ્યા હતા. દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે અને આ કેસમાં આરોપી તરીકે તેમના પતિ અને કોંગ્રેસના સાંસદ શશી થરુરનું નામ રાખતા કોંગ્રેસની અને શશી થરુરની ચિંતામાં વધારો થયો છે. મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ ધર્મેન્દ્રસિંહ સમક્ષ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના નેતા ઉપર આક્ષેપબાજીનો દોર શરૂ થઇ ગયો છે. પોલીસે કહ્યું છે કે, આ કેસ આત્મહત્યાનો છે. મર્ડરનો કેસ નથી. આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે જે ચાર્જશીટ દાખલ કરી છે તેમાં જુદી જુદી કલમો રાખવામાં આવી છે જેમાં કલમ ૩૦૬ અને ૪૯૮એનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસે કલમ ૩૦૬ હેઠળ શશી થરુર પર સુનંદાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત સ્થાનિક હિંસા અથવા તો પત્નિની સાથે ક્રૂરતાની કલમ ૪૯૮એનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટીવી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સ્થાનિક લડાઈ ઝગડા અને શશી થરુર સાથે સારા સંબંધ ન હોવાના લીધે સુનંદા પુષ્કરને આત્મહત્યા તરફ દોરી જવાની ફરજ પડી હતી. આ સનસનાટીપૂર્ણ મામલામાં વધુ સુનાવણી ૨૪મી મેના દિવસે હાથ ધરવામાં આવનાર છે. ૧૭મી જાન્યુઆરી ૨૦૧૪ના દિવસે ચાણક્યપુરી સ્થિત ફાઈવ સ્ટાર હોટલ લીલા પેલેસના સુઇટ નંબર ૩૪૫માં શકમંદ સ્થિતિમાં મૃતહાલતમાં સુનંદા મળી આવી હતી. આ મોતને પહેલા આત્મહત્યા તરીકે ગણાવવામાં આવી હતી પરંતુ એક વર્ષ બાદ વિસરા રિપોર્ટ આવ્યા બાદ પોલીસે વણ ઓળખાયેલા લોકોની સામે હત્યાની કલમ હેઠળ પણ કેસ દાખલ કર્યો હતો. મામલાની તપાસ માટે એસઆઈટી બનાવવામાં આવી હતી. જો કે, ચાર વર્ષનો ગાળો થઇ ગયો હોવા છતાં આ કેસનો ઉકેલ આવી શક્યો નથી. કોઇની ધરપકડ પણ થઇ શકી નથી. સુનંદા પુષ્કર મોતના મામલામાં રાજકીય રમત પણ ચાલી રહી હોવાના આક્ષેપ થતાં રહ્યા છે. સુત્રોએ કહ્યું છે કે, અંતિમ પોલીસ રિપોર્ટમાં થરુર ઉપર ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૬ અને ૪૯૮એ હેઠળ આરોપો મુકવામાં આવ્યા છે જે પત્નિ પ્રત્યે ક્રૂરતા અને આત્મહત્યા તરફ દોરી જવા સાથે સંબંધિત છે. પુષ્કર દક્ષિણ દિલ્હીમાં આવેલી જે ફાઈવ સ્ટાર હોટલમાં મૃત હાલતમાં મળી આવી હતી તે હોટલના સુઇટ નંબર ૩૪૫માં ગયા મહિનામાં જ ફરી ખોલી દેવામાં આવ્યા બાદ આની પણ ચર્ચા રહી હતી. પહેલી જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ એક એફઆઈઆર દાખલ કરાઈ હતી. એપ્રિલ મહિનામાં આ કેસમાં તપાસ કરનાર તપાસ ટીમ સીટે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, અંતિમ રિપોર્ટનો ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે જેમાં પ્રોફેશલ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ કરવામાં આવી ચુકી છે. કાયદાકીય ચકાસણી બાદ આને ટ્રાયલ કોર્ટમાં રજૂ કરાશે.

(7:20 pm IST)