Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ગુર્જર અનામત આંદોલનમાં રાજસ્થાનના ભરતપુર જવા હાર્દિક પટેલને મનાઈ

રાજકોટ, તા. ૧૪ :. પાસના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલને કાલે રાજસ્થાનમાં જવા ઉપર કલેકટરશ્રીએ પ્રતિબંધ ફરમાવી દીધો છે.

હાર્દિક પટેલે રાજસ્થાનના ગુર્જર અનામત આંદોલનને સમર્થન આપ્યુ છે અને કાલે તા. ૧૫ના તેઓ ત્યાં જવાના હતા પરંતુ જિલ્લા કલેકટર સંદેશ નાયકે એક આદેશ બહાર પાડીને હાર્દિક પટેલના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કલેકટરે હાર્દિક પટેલ પર જિલ્લાની બોર્ડરની અંદર આવવા પર પ્રતિબંધ મુકી દીધો છે, જેનું કારણ સુરક્ષા વ્યવસ્થા કહેવામાં આવ્યુ છે. સાથે જ એસ.પી.ને પણ પત્ર લખીને હાર્દિક પટેલને આ બાબતથી અવગત કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે ગુર્જર અનામત આંદોલનનું સમર્થન કર્યુ હતું. તેણે શુક્રવારના રોજ અજમેરામાં ખ્વાજા સાહેબની દરગાહની મુલાકાત લીધી હતી અને પુષ્કરમાં બ્રહ્મા મંદિરના દર્શન કર્યા હતા.

હાર્દિક પટેલે કહ્યું હતુ કે હક્કની લડાઈમાં તે દરેક સમાજની સાથે છે. તમામ લોકોને દરેક જગ્યાએ એક સમાન હક્ક મળવો જોઈએ. તેણે કહ્યું કે, ગુર્જર નેતાઓ સાથે તેની વાત થઈ છે. તે તેને સમર્થન આપશે. ભલે કોઈપણ સરકાર હોય, પૂરી તાકાત સાથે લડીશું. ગુર્જર આંદોલન માટે તે ભરતપુર જવાના હતા પરંતુ કલેકટરે ભરતપુર શહેરમાં હાર્દિકના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેતા તેની મુશ્કેલી વધારી દીધી છે.(૨-૨)

(11:52 am IST)