Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

કર્ણાટકના પરિણામ પછી ગુજરાતનો પ્રશ્ન ભાજપ હાઇકમાન્ડના 'હાથ' પરઃ ફેરફારોને આવકાર

'ઘોડાગાડી'ની જેમ ચાલતી સરકાર અને સંગઠનને ગાડીની જેમ દોડાવવા પગલા લેવાશે

રાજકોટ તા. ૧૪ :.. કર્ણાટકની ચૂંટણીનું મતદાન શનિવારે પુરુ થઇ ગયું. આવતીકાલે મંગળવારે પરિણામ છે. લાંબા સમયથી કર્ણાટકની ચૂંટણીમાં વ્યસ્ત રહેલ ભાજપની કેન્દ્રીય નેતાગીરીને સમય મળતા હવે ગુજરાતનો પ્રશ્ન હાથ પર લ્યે તેવા અણસાર છે. સરકાર અને ભાજપ સંગઠન ઘોડાગાડીની જેમ ચાલી રહ્યુ છે તેવી છાપ દૂર કરી ગાડીની જેમ દોડાવવા માટે જરૂરી ફેરફારો આવી રહયાનું ભાજપના ટોચના વર્તુળો જણાવે છે. આ ફેરફારો સરકાર અને સંગઠન બન્ને કક્ષાએ સ્પર્શે તેવી પ્રબળ સંભાવના છે. એક વ્યકિત, એક હોદાનો સિધ્ધાંત લાગુ પાડવાની વાતો થઇ રહી છે.

એક અહેવાલ મુજબ ભાજપમાં આંતરિક અસંતોષ સપાટી પર ન આવે તે માટે આગામી દિવસોમાં સંગઠનમાં મોટાપાયે ફેરબદલના એંધાણ વર્તાઇ રહ્યા છે. જેના પગલે સરકાર અને સંગઠન એમ બંનેમાં હોદા ભોગવતા નેતાઓને કોઇપણ એક હોદા પરત લઇને તેના સ્થાને નવા નેતાઓનો સંગઠનમાં મહત્વના પદો પર સમાવેશ કરીને તેમના ઉત્સાહમાં વધારો કરવાની કવાયત ભાજપે  આદરી છે. સંગઠનમાં ફેરફારો તોળાઇ રહ્યા છે.

ભાજપમાં એક સાથે બબ્બે હોદા ધરાવતા નેતાઓની વાત કરીએ તો, મનસુખ માંડવીયા કેન્દ્ર સરકારમાં મંત્રી હોવાની સાથે સંગઠનમાં પ્રદેશના મહામંત્રી તરીકેનો હોદો પણ ધરાવે છે. પરસોતમ રૂપાલા પણ કેન્દ્ર સરકારમાં મંત્રી હોવાની સાથે ભાજપમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનો હોદો ધરાવે છે. એ જ પ્રકારે જસવંતસિંહ ભાભોર પણ કેન્દ્ર સરકારમાં મંત્રી હોવાની સાથે પ્રદેશ ભાજપમાં ઉપાધ્યક્ષની જવાબદારી સંભાળે છે. આ ઉપરાંત રાજય સરકારમાં મહેસુલ મંત્રી એવા કૌશિક પટેલ સંગઠનમાં સ્ટેટ કોર્ડીનેટર ઇન્ચાર્જ તરીકેનો હોદો પણ ધરાવે છે. તેમજ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ આઇ. કે. જાડેજા પ૦ મુદા અમલીકરણ સમિતિના ચેરમેન તરીકે વધારાનો બીજો હોદો ધરાવે છે. (પ-૬)

(11:51 am IST)