Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

આંધી - તોફાનમાં હેમા માલિનીનો આબાદ બચાવ

મોટર કાફલા આગળ જ ઝાડ તૂટી પડયું: હજુ ૪૮-૭૨ કલાક આંધી - વાવાઝોડાની આગાહીઃ અનેક રાજ્યોમાં તબાહી : મૃત્યુઆંક ૬૮

નવી દિલ્હી તા. ૧૪ : ઉત્તરપ્રદેશના મથુરા લોકસભા મતવિસ્તારથી ભાજપ સાંસદ હેમા માલિની રવિવારે એ સમયે બચી ગયા જયારે તોફાનને કારણે એક વૃક્ષ અચાનક તેના કાફલાની સામે પડ્યુ હતુ. આ ઘટના ત્યારે બની જયારે હેમા માલિની એક ગામમાં સભાને સંબોધન કરીને પરત ફરતા હતા.

ખરાબ હવામાનને જોતા સતર્ક રહીને વાહન ચલાવાનારે ઝાડ સાથે ગાડી ટકરાય એ પહેલા જ બ્રેક લગાવીને ગાડીને રોકી દીધી હતી. ત્યારબાદ સાંસદના સુરક્ષાકર્મીઓએ મળીને ઝાડને હટાવીને રસ્તો સાફ કર્યો.

સાંસદ હેમા માલિની ૪ દિવસીય પ્રવાસ પર ગૃહજનપદ મથુરા આવ્યા છે. રવિવારે ત્રીજા દિવસે સાંસદ હેમા માલિની માંચ તહસીલના મિઠોલી ગામમાં ગ્રામીણો સાથે જનતાસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.ગ્રામવાસીઓના જણાવ્યા મુજબ, મિઠોલી ગામમાં જાહેરસભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જયા હેમા માલિની ભાજપ સરકારની ચોથી વર્ષગાંઠ પહેલાં, જનતાને મોદીના 'સબકા સાથ સબકા વિકાસ'ના સુત્રને સંદેશો પહોંચાડવા આવ્યા હતા.

જો કે, જયારે તેઓ સભાને સંબોધન કરતા હતા, ત્યારે હવામાન ઝડપથી બદલાઇ ગયુ હતુ. બદલાતા મોસમને જોઇને ભાજપના સાંસદે સભા છોડી જવાનો નિર્ણય કર્યો. જયારે તેઓ થોડા કિલોમીટર આગળ પહોંચ્યા ત્યારે તેના કાફલા આગળ એક ઝાડ પડ્યુ, અને ગાડી તેની સાથે ટકરાઇ નહીં. જેના કારણે તેઓ બચી ગયા હતા.

ભાજપના કાર્યકરો અને પોલીસે, એકસાથે મળીને ઝાડને હટાવ્યુ. આ દરમિયાન, તેઓને અડધો કલાક રસ્તા પર પસાર કરવો પડ્યો.

ગઈ કાલે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ધૂળની ડમરી ઉડવાથી અને વીજળીના કડાકા ભડાકા અને ભારે વરસાદ સાથે ત્રાટકેલા વાવાઝોડાએ ઓછામાં ઓછા ૬૮ જણનો ભોગ લીધો છે. ઠેર ઠેર ભારે વિનાશ સર્જાયો છે. હજુ ૪૮ થી ૭૨ કલાક આંધી - વરસાદ - રેતીની ડમરીની આગાહી થઇ છે.

ઉત્તરપ્રદેશમાં મોત, દિલ્હીમાં ૩, આંધ્રમાં પણ જબરજસ્ત આંધી - તોફાનમાં વિજળી પડતા ૯ના મોત થયા છે. પશ્ચિમ બંગાળમાં પણ વિજળી પડતા ૧૦ના મોત થયા છે.

ઉત્તર પ્રદેશમાં ૪૨ જણ માર્યા ગયા છે જયારે પશ્ચિમ બંગાળમાં ચાર બાળકો સહિત ૧૨ જણનાં મરણ થયા છે તો આંધ્ર પ્રદેશમાં ૯ અને દિલ્હીમાં બે જણનાં જાન ગયા છે.

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં અનેક ઠેકાણે તેજ ગતિ સાથે પવન ફૂંકાતા અનેક ઝાડ ઉખડી ગયા છે. માર્ગ, રેલવે અને વિમાન સેવાને માઠી અસર પહોંચી છે.

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, આસામ, મેઘાલય, કેરળ, તામિલ નાડુ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં પણ છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડું ફૂંકાયું હતું.

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦ પશુઓના મોત થયા છે.

સિમલામાં અનેક વૃક્ષો તૂટી પડયા છે.

રાજસ્થાનમાં પણ અત્યાર સુધીમાં ૧૪૩નો ભોગ લેવાયો છે.

૯ મેના રોજ પણ સમગ્ર ઉત્તર ભારતમાં આજ રીતે તોફાન ત્રાટકયું હતું.(૨૧.૯)

(11:55 am IST)