Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

કેરળમાં ૪ દિ' વહેલું ચોમાસુ પહોંચશે : સ્કાયમેટની આગાહી

એન્ટ્રી આખરમાં કેરળના કાંઠે પ્રવેશઃ મહારાષ્ટ્રમાં જૂનના પ્રથમ અઠવાડિયે અને ત્યારબાદ ગુજરાત તરફ આગેકૂચ કરશે

રાજકોટ તા. ૧૪ : ચોમાસું અપેક્ષા કરતાં ચાર દિવસ વહેલું એટલે કે ૨૮ મેના કેરળમાં દાખલ થશે એવી આગાહી સ્કાયમેટે કરી છે. કેરળમાં ચોમાસું સામાન્યપણે ૧ જૂન આસપાસ બેસતું હોય છે. આ વરસે ચોમાસુ ૧૦૦ ટકા સામાન્ય રહેશે એવી આગાહી સ્કાયમેટે ૪ એપ્રિલે કરી હતી.

 

સ્કાયમેટની આગાહી મુજબ ચોમાસું ૨૮ મેના દેવભૂમિ એટલે કેરળમાં દાખલ થશે. ચોમાસું ૨૦ મેના આંદામાન અને નિકોબાર ટાપુ પર પહોંચશે, ત્યાર બાદ ૨૪ મેના શ્રીલંકામાં દાખલ થયા બાદ બંગાળના ઉપસાગરથી ચોમાસાનો પ્રવાસ શરૂ થશે એવી આગાહી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે.

 

ઇસ્ટર્ન મોન્સૂન ૧૩ મેના દાખલ થશે એવી આગાહી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી હતી. એ મુજબ દેશના વિવિધ વિસ્તારમાં ઇસ્ટર્ન મોન્સૂન દાખલ થયું છે.

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ ચોમાસું સામાન્ય રહેશે એવી આગાહી કરી હતી. આ વરસે વરસાદ ઓછો પડે એવી શકયતા નહિવત્ હોવાનું આઈએમડીએ જણાવ્યું હતું. હવામાન ખાતાની આગાહી મુજબ આ વરસે વરસાદનું પ્રમાણ સરેરાશ કરતાં વધુ હોવાની શકયતા ૧૨ ટકા હશે.

મુંબઈમાં ૩૪ ડિગ્રીથી લઈ વિદર્ભનાં ચંદ્રપુરમાં ૪૭ ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું, એટલે ઉકળાટથી ત્રાસેલાં નાગરિકો ચોમાસાની રાહ જોઈ રહ્યાં છે, જોકે હવામાનખાતાએ આગાહી કરી છે કે ટૂંક સમયમાં તાપમાનમાં ઘટાડો થશે.

ચોમાસું કેરળમાં દાખલ થયા બાદ આગામી ચોવીસ કલાકમાં એ દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ-લક્ષદ્વીપ ટાપુવિસ્તાર, કેરળનો મોટાભાગનો વિસ્તાર, તામિલનાડુનો આંશિક વિસ્તાર અને બંગાળની ખાડી સુધી પહોંચશે. સામાન્યપણે કેરળમાં ચોમાસું દાખલ થયા બાદ મહારાષ્ટ્રમાં એકાદ અઠવાડિયામાં વરસાદની શરૂઆત થતી હોય છે. આ વરસે કેરળમાં ચોમાસું ચારેક દિવસ વહેલું બેસવાની આગાહી થઈ હોવાથી મહારાષ્ટ્રમાં જૂનના પહેલા અઠવાડિયામાં ચોમાસું બેસે એવી શકયતા છે.(૨૧.૬)

(11:48 am IST)