Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

દેશમાં વ્યાપક સ્તરે લોકડાઉન નહીં લગાવાય : નાણામંત્રી નિર્મલાસીતારમણ

કોરોના કહેર અનિયંત્રિત છતાં નાણાંમંત્રીનું આશ્વાસન : વર્લ્ડ બેંકના અધ્યક્ષ માલપાસની સાથે બેઠકમાં નાણામંત્રી નિર્મલાસીતારમણની દેશને વિકાસ માટે વધુ લોનની શક્યતા વધારવા ભલામણ

નવી દિલ્હી, તા. ૧૪ : નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સ્પષ્ટ કર્યું કે, સરકાર વ્યાપક સ્તર પર 'લોકડાઉન' નહીં લગાવે અને મહામારીને રોકવા માટે માત્ર સ્થાનિક સ્તર પર નિયંત્રણના પગલાં ઉઠાવશે. દેશમાં કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે તેમણે આ વાત કરી.

વર્લ્ડ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસની સાથે 'ઓનલાઈન' બેઠકમાં સીતારમણે ભારતને વિકાસ માટે હજુ વધારે લોન સુવિધાની શક્યતા વધારવા માટે વર્લ્ડ બેંકની પહેલની ભલામણ કરી. નાણા મંત્રાલયે ટ્વીટર પર લખ્યું છે કે, 'નાણામંત્રીએ કોરોના વાયરસ મહામારીને ફરીથી ફેલાતી રોકવા માટે પાંચ સૂત્રની રણનીતિ તપાસ, શોધવું, સારવાર કરવી, રસીકરણ અને કોવિડ-૧૯ને ફેલાતો રોકવા માટે યોગ્ય આચરણ સહિત ભારત તરફથી ઉઠાવાયેલા પગલાં અંગે જણાવ્યું.'

તેમણે કહ્યું કે, 'બીજી વખત સંક્રમણને ઝડપથી ફેલાવા છતાં અમારું સ્પષ્ટ વલણ છે કે, અમે વ્યાપક સ્તર પર 'લોકડાઉન' લગાવવા નથી જઈ રહ્યા. અમે પૂર્ણ રીતે અર્થવ્યવસ્થાને ઠપ નથી કરવા ઈચ્છતા. સ્થાનિક સ્તર પર કોવિડ દર્દીઓ કે પરિવારને અલગ રાખવાના ઉપાય કરાશે. સ્થાનિક સ્તર પર નિયંત્રણના ઉપાયો દ્વારા સંકટને દૂર કરાશે. લોકડાઉન નહીં લગાવાય.'

સીતારમણે હરિયાળો, મજબૂત અને સમાવેશી વિકાસ મેળવવા માટે એલઈડી બલ્બના વિતરણ, રાષ્ટ્રીય જૈવ ઈંધણ નીતિ અંતર્ગત પેટ્રોલમાં એથનોલનું મિશ્રણ, સ્વૈચ્છિક વાહન સ્ક્રેપ નીતિ, ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટેના સરકારના કાર્યક્રમોની જાણકારી આપી. આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે આપેલા આંકડા મુજબ, દેશમાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના ૧,૬૧,૭૩૬ નવા કેસ સામે આવવાની સાથે દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૩૬,૮૯,૪૫૩ થઈ ગઈ છે. કોવિડ-૧૯થી પીડિત લોકો સાજા થવાનો દર ઘટીને હવે ૮૯.૯૧ ટકા પર આવી ગયો છે.

(9:38 pm IST)