Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

જયપુરના શાસ્ત્રીનગરા કનવતિયા હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાંથી કોરોના વેક્સીનના ૩૨૦ ડોઝની ચોરી થતા પોલીસ ફરિયાદ

જયપુર: કોરોના વૅક્સિનની તંગીનો આરોપ લગાવનારા રાજસ્થાનના જયપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજસ્થાનની રાજધાની જયપુરની એક સરકારી હોસ્પિટલમાંથી કોરોના વૅક્સિનની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જયપુરના શાસ્ત્રીનગરના કનવતિયા હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાંથી ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી વૅક્સિનના 32 વાયલ ચોરી થઈ ગયા છે. કોવેક્સિનના એક વાયલમાં 10 ડૉઝ હોય છે. આમ 320 ડોઝની ચોરી થઈ જતા ચકચાર મચી છે. હાલ આ મામલે હોસ્પિટલના સુપરીટેન્ડન્ટે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.

ચીફ મેડિકલ ઑફિસર નરોત્તમ શર્માના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાંથી વૅક્સિનના 320 ડોઝ ગાયબ છે. આ મામલે અમે તપાસ માટે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.

જણાવી દઈએ કે, ગત સપ્તાહે જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે રાજ્યમાં વૅક્સિનની તંગીનો પ્રશ્ન ઉઠાવી કેન્દ્ર સરકાર પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વૅક્સિનેશન અભિયાન ચાલુ રાખવા માટે રાજસ્થાન પાસે પૂરતા પ્રમાણમાં વૅક્સિન જ નથી. આ દરમિયાન મહારાષ્ટ્ર બાદ રાજસ્થાન બીજું એવું રાજ્ય બની ચૂક્યું છે કે, જ્યાં કોરોના વિરોધી રસીને 1 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અહીં છેલ્લા 24 કલાકમાં 5 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે વધુ 28 લોકોએ કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં મોતના આંકડા ડરાવનારા છે, કારણ કે પ્રથમ વખત એવું થયું હશે જ્યારે કોરોનાના કારણે એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોય.

(4:54 pm IST)