Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ભયાનક બન્યો કોરોના

કોરોનાથી દર બીજુ મોત હોસ્પિટલમાં દાખલ થયાના ૪૮ કલાકમાં થાય છે

દર ત્રીજુ મોત દાખલ થયાના ૭૨ કલાકમાં નોંધાયું

નવી દિલ્હી તા. ૧૪ : દેશમાં અલગ અલગ વિસ્તારોમાંથી સોશ્યલ મીડિયા પર સ્મશાન અને કબ્રસ્તાનની હાલત દેખાડતા વીડીયો સામે આવી રહ્યા છે. પણ આ મોત પાછળનું મુખ્ય કારણ રાજ્યોએ પાછલી ઘટનાઓમાંથી સબક ન લેવાનું છે. કેન્દ્રના રિપોર્ટ અનુસાર દેશમાં હોસ્પિટલમાં દાખલ થયાના ૪૮ કલાકમાં જ દર્દીના મોત થઇ રહ્યા છે.

કોરોનાથી દરેક બીજું મોત ૪૮ અને ત્રીજું મોત ૭૨ કલાકમાં થઇ રહ્યું છે. પરિસ્થિતિ એટલી ખરાબ થવા લાગી છે કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પંજાબ સહિત ઘણાં રાજ્યોની હોસ્પિટલોમાં દર્દીઓ ત્યારે પહોંચે છે જ્યારે તેમના શ્વાસ રૃંધાવા લાગે છે. મેડીકલ ભાષામાં આ સ્થિતિને બહુ ગંભીર ગણવામાં આવે છે. જેમાં દર્દીના ફેફસા સુધી વાયરસ પહોંચી જાય છે.

નિષ્ણાંતો અનુસાર સામાન્ય રીતે સંક્રમિત દર્દીને આ સ્થિતિમાં પહોંચવામાં ઓછામાં ઓછા ૬ થી ૯ દિવસનો સમય લાગે છે પણ અત્યારે પરિસ્થિતિ એ છે કે હોસ્પિટલમાં દાખલ થનાર ૪૦ થી ૪૫ ટકા દર્દીઓ એવી ગંભીર સ્થિતિમાં આવે છે જેનો ઇલાજ શરૂ થવાના થોડા કલાકોમાં જ મોત થઇ રહ્યા છે. નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલના રિપોર્ટ અનુસાર, આ વર્ષે માર્ચથી લઇને ૧૦ એપ્રિલ સુધીમાં કોરોનાથી થયેલ મોતોમાં મોટાભાગના હોસ્પિટલમાં દાખલ થવાના પહેલા ત્રણ દિવસમાં નોંધાય છે. આવી જ સ્થિતિ ગયા વર્ષે પણ હતી પણ ત્યારે મંત્રાલય રાજ્યો સાથે મીટીંગ કરીને તેને રોકવામાં સફળ થયું હતું. જો કે ફરી આવું જ સંકટ જોતા ખબર પડે છે કે રાજ્યોએ પાછલી ઘટનાઓમાંથી કોઇ સબક નથી લીધો.

(11:35 am IST)