Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

ભૂટાને ચીનની બેઠકમાં હાજર રહેવાની ઓફર ઠુકરાવી : અરબોના પ્રોજેકટ અટકી જશે

નવી દિલ્હી: ભારતના સૌથી ટચૂકડા પાડોશી દેશ ભૂટાને ચીન દ્વારા અપાયેલા બેલ્ટ એન્ડ રોડ ઈનીશિએટિવ (BRI) ફોરમ બેઠકમાં સામેલ થવાના આમંત્રણને ઠુકરાવી દીધુ છે. ભારતે અગાઉ આ આમંત્રણને ઠુકરાવી દીધેલુ છે. ભૂટાન સિવાયના ભારતના મોટાભાગના પાડોશી દેશો માલદીવ, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ આ બેઠકમાં સામેલ થવાના છે. કહેવાય છે કે આ બેઠકમાં 40 દેશોના પ્રતિનિધિઓ સામેલ થવાના છે.

સમાચાર પત્ર ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલમાં રાજનયિક સૂત્રોના હવાલે જણાવાયું છે કે ભૂટાન બીઆરઆઈ ફોરમ બેઠકમાં સામેલ થશે નહીં. ચીને ભૂટાનની નવી સરકારને લૂભાવવાની ખુબ કોશિશ કરી હતી. જેથી કરીને તેને ભારતના પ્રભાવથી દૂર લઈ જઈ શકાય.

ભૂટાન સાથે ચીનના રાજનયિક સંબંધ નથી જો કે તે પોતાની અર્થવ્યવસ્થાને વધારવા માટે ચીન સાથે ભાગીદારી વધારવા માંગે છે. ભૂટાનની સરકારનું માનવું હતું કે બીઆરઆઈ ફોરમમાં તેની હાજરીથી ભારતમાં સારા સંકેત નહીં જાય. ભૂટાન આ અગાઉ પણ 2017માં આ બેઠકનો  બોયકોટ કરી ચૂક્યું છે.

બીઆરઆઈ પ્રોજેક્ટ હેઠળ ચીન દુનિયાના અનેક દેશોને રોડ અને જળ માર્ગે પરસ્પર જોડી રહ્યું છે. ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર, (સીપીઈસી) પણ આ બીઆરઆઈનો જ એક ભાગ છે. બીઆરઆઈ પર ભારતને આપત્તિ જતાવી છે કારણ કે આ પ્રોજેક્ટ પારદર્શક નથી અને તેના પર ચીનનું પ્રભુત્વ છે. આ ઉપરાંત તેમાં દેશોની અખંડિતતા અને સંપ્રભુતાનું ધ્યાન પણ રખાયું નથી.

(3:36 pm IST)