Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

૧૭મીથી હું અમદાવાદમાં અનિશ્ચિત કાળ માટે ઉપવાસ શરૂ કરીશઃ ડો. તોગડિયાનો હુંકાર

અમદાવાદઃ વિશ્વ હિન્‍દુ પરિષદની ચૂંટણીમાં પરાજય બાદ ડો. પ્રવીણ તોગડિયાઅે ૧૭મીથી અનિશ્ચિત કાળ માટે ઉપવાસ કરવાની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે.

અમદાવાદ: વર્ષો સુધી વિશ્વ હિંદુ પરિષદના સર્વેસર્વા રહ્યા બાદ પ્રવીણ તોગડિયા આજે થયેલી ચૂંટણીમાં કદ પ્રમાણે વેતરાઈ ગયા છે. વીએચપીના ઈતિહાસમાં પહેલી વાર યોજાયેલી ચૂંટણીમાં તોગડિયા ગ્રુપના સૂપડા સાફ થઈ ગયા છે. આ પરિણામ બાદ તોગડિયાએ જાહેરાત કરી છે કે, તેઓ 17 એપ્રિલથી અમદાવાદમાં અનિશ્ચિતકાળ માટે ઉપવાસ પર બેસશે. તોગડિયાએ એમ પણ જણાવ્યું છે કે, તેઓ ખેડૂતો, મહિલાઓ તેમજ મજૂરોની માંગો માટે અનશન પર બેસી રહ્યા છે.

વીએચપીના નવા સંગઠનમાં તોગડિયા કે પછી તેમના ખાસ કહેવાતા રાઘવ રેડ્ડીને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. સંગઠનના નવા આંતરરાષ્ટ્રીય પ્રમુખ આલોક કુમાર હશે તેવી જાહેરાત થઈ ચૂકી છે.

વીએચપીની સ્થાપના બાદના 52 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં તોગડિયા જૂથનો સફાયો થઈ ગયો હતો. જ્યારે વિષ્ણુ સદાશિવ કોકજેની વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. આ પરિણામ બાદ પ્રવીણ તોગડિયાએ વ્યથિત થઈને પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે હવે હું વિશ્વ હિન્દુ પરિષદમાં નથી. તેમણે સરકાર પર કરોડો લોકોનો અવાજ દબાવવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો.

પ્રવીણ તોગડિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, 'સત્તાના નશામાં દેશ અને હિન્દુ ધર્મને દબાવવામાં આવ્યો છે. સરકારે કરોડો લોકોને અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે. મને સત્તાધારી પાર્ટીએ વીએચપી છોડવા મજબૂર કર્યો છે. હવે સાચી લડાઈની શરૂઆત થઈ છે.' તોગડિયાએ વધુમાં કહ્યું હતું કે હવે મોટી લડાઈની શરૂઆત થઈ છે. એટલું જ નહીં તોગડિયા અમદાવાદ ખાતે ખેડૂતો અને રામમંદિર મુદ્દે ઉપવાસ કરવાની પણ જાહેરાત કરી હતી. તોગડિયાએ કહ્યું હતું કે, તેઓ ખેડૂતોના પ્રશ્નો અને રામમંદિરના નિર્માણ માટે આવતા મંગળવારથી અમદાવાદ ખાતે અચોક્કસ મુદ્દતના ઉપવાસ પર ઉતરશે.

વીએચપીમાં ચૂંટણી પહેલા પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે, 'મને જવાબદારી મળે કે ન મળે હું કેન્સર સર્જન છું. ફરીથી સારવાર શરૂ કરી દઈશ. રામ મંદિરના નિર્માણ માટે પ્રયાસ કરતો રહીશ. વર્તમાન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાઘવ રેડ્ડીની ઉંમર ફક્ત 61 વર્ષ છે. તેમને ત્રીજી વખત શા માટે અધ્યક્ષ ન બનાવવા જોઈએ? આવા વ્યક્તિ સામે 79ની ઉંમરના ઉમેદવારને ઉભા રાખી દેવામાં આવ્યા છે. શું યંગ ઇન્ડિયા છે.'

મહત્વનું છે કે, વીએચપીના અધ્યક્ષ પદ માટે થયેલી ચૂંટણીમાં તોગડિયા ગ્રુપને મોટી પછડાટ મળી છે. આજે જાહેર થયેલા પરિણામમાં તોગડિયા ગ્રુપના રાઘવ રેડ્ડીની અધ્યક્ષ પદની ચૂંટણીમાં હાર થઈ છે. આ ચૂંટણીમાં વિષ્ણુ કોકજેની જીત થઈ છે. કોકજે હાઈકોર્ટના પૂર્વ જજ છે, અને હિમાચલના ગવર્નર પણ રહી ચૂક્યા છે. વીએચપીના ઈતિહાસમાં થયેલી પહેલી ચૂંટણીમાં 2/3 મતે તોગડિયા ગ્રુપને હાર ખમવી પડી છે.

અધ્યક્ષ પદની ચૂંટણીમાં હાર થતાં જ હવે વીએચપીમાંથી તોગડિયાનો સફાયો થઈ ગયો છે. તેઓ હાલ વીએચપીના કોઈ પદ પર સત્તાવાર રીતે નથી. આ ચૂંટણીમાં 273 લોકોને વોટ કરવાનું હતું, જોકે 192 લોકોએ જ મત આપ્યા હતા, જેમાંથી કોકજેને 131 વોટ મળ્યા હતા, જ્યારે 1 વોટ રિજેક્ટ થયો હતો.

આમ પણ આ ચૂંટણી તોગડિયા માટે મોટો પડકાર ગણાઈ રહી હતી, અને તેમાં તેમના જુથનો સફાયો થવાનું લગભગ નક્કી જ હતું. મોદી સામે શિંગડા ભેરવનારા તોગડિયા માટે આ ચૂંટણીમાં જીત મેળવવી અઘરી હતી. ભાજપ અને સંઘની પર આ ચૂંટણી પર નજર હતી. એમ મનાય છે કે સંઘ અને ભાજપ નહોતા ઈચ્છતા કે તોગડિયાની જીત થાય. કારણકે, જો તોગડિયા ફરી અધ્યક્ષ બને તો 2019માં સરકારને નુક્સાન પહોંચી શકે. ચૂંટણી પહેલા તોગડિયાએ બનાવટી વોટર્સની મદદ લેવાઈ રહી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, બહારથી આવનારા લોકોને ભ્રમિત કરીને ચૂંટણીને પ્રભાવિત કરાઈ રહી હોવાનો પણ આરોપ મૂકાયો હતો.

(8:06 pm IST)