Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

આયુષ્માન ભારતના પહેલા વેલનેસ સેન્ટરનો છત્તીસગઢથી પ્રારંભ

વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના : મોદી સરકારની મહત્વકાંક્ષી યોજનાઃ દેશભરમાં ૭૦૦૦ જેટલા સેન્ટરો ખુલશે : ૧૨ પ્રકારની સ્વાસ્થ્ય સારવાર ઉપલબ્ધઃ નાની બિમારી માટે દવા નિઃશુલ્ક : ત્રણ પ્રકારના કેન્સરની મફત તપાસ

નવી દિલ્હી, તા. ૧૪ : નરેન્દ્રભાઈ મોદી સરકારની સૌથી મહત્વાકાંક્ષી 'આયુષ્માન ભારત' યોજના હેઠળ પહેલુ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આંબેડકર જયંતિ પ્રસંગે છત્તીસગઢના બીજાપુરમાં તેનું ઉદ્દઘાટન કર્યુ છે. સમગ્ર દેશમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં એક લાખ ૫૦ હજાર હેલ્થ સબ સેન્ટરને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં બદલવામાં આવશે. આ નાણાકીય વર્ષમાં ૧૮ હજાર ૮૪૦ હેલ્થ સબ સેન્ટરને વેલનેસ સેન્ટરમાં પરિવર્તિત કરાશે. આ માટે કેન્દ્ર સરકારે અલગથી ૧૨૦૦ કરોડ રૂપિયાની બજેટની જોગવાઈ કરી છે.

બીજા વેલનેસ સેન્ટરની તો તૈયારી ચાલી રહી છે. બધુ તૈયાર કરવુ એટલુ સરળ નથી હોતુ તેમ નિતિ આયોગના અમિતાભ કાંતે જણાવેલ.

વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટમાં દોઢ લાખ હેલ્થ સબ સેન્ટરને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં બદલવાની જાહેરાત થઈ હતી, પરંતુ બજેટમાં જોગવાઈ કરાઈ નહોતી. ૨૦૧૮-૧૯ના બજેટમાં આ યોજના માટે બજેટની જોગવાઈ કરાઈ છે.

દેશના સૌથી વધુ ૧૦૧ પછાત જીલ્લામાં સમાવેશ બીજાપુર, આદિવાસી બહુમતીવાળો વિસ્તાર છે. નકસલવાદથી અસરગ્રસ્ત છે. આ જીલ્લો નીતિપંચ દ્વારા પસંદ કરાયેલા દેશના સૌથી ૧૦૧ પછાત જિલ્લામાં આવે છે. પીએમ મોદીએ જીલ્લા અધિકારીઓના સંમેલનમાં કહ્યુ હતું કે જે પછાત જીલ્લા સારૂ પ્રદર્શન કરશે તેનો સમાવેશ થશે.

આ વર્ષે ૫ રાજયોમાં ચૂંટણી છે. એવામાં કેન્દ્ર આ પ્રોજેકટને સૌથી મોટી સફળતા બતાવવા માગે છે. આયુષ્માન ભારતથી દેશની ૪૦ ટકા ગરીબ જનતાને આ યોજનાનો લાભ મળશે.

બજેટમાં આયુષ્માન ભારતની જાહેરાત કરાઈ છે. તેના કોમ્પોનન્ટ છે. પહેલુ ૧૦.૭૪ લાખ પરીવારોને મફત ૫ લાખ રૂ.નો સ્વાસ્થ્ય વિમો, બીજુ હેલ્થ વેલનેસ સેન્ટર. આ સેન્ટરમાં માત્ર નાની - મોટી બિમારીઓની જ સારવાર નથી થતી પરંતુ મફત દવાઓ પણ મળશે.

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ૧૨ પ્રકારની સ્વાસ્થ્ય સુવિધા હશે. અહીં સારવારની સાથે તપાસની પણ સુવિધા મળશે. એટલુ જ નહિં જિલ્લા હોસ્પિટલમાં  દર્દીને જે દવા લખાશે તે દવા દર્દીને તેના ઘરની પાસેના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ઉપલબ્ધ થાય તે માટે પણ કામ ચાલી રહ્યુ છે.

દેશના રાજયો બિહાર ૬૪૩, છત્તીસગઢ ૧૦૦૦, ગુજરાત ૧૧૮૫, હરીયાણા ૨૫૫, રાજસ્થાન ૫૦૫, ઝારખંડ ૬૪૬, મધ્યપ્રદેશ ૭૦૦, મહારાષ્ટ્ર ૧૪૫૦, પંજાબ ૮૦૦માં વેલનેસ સેન્ટરો ખુલશે.

તપાસમાં ગંભીર બિમારીઓના લક્ષણ મળે તો તેમને તાત્કાલીક જીલ્લા હોસ્પિટલ અથવા મોટી હોસ્પિટલ રીફર કરાશે. વેલનેસ સેન્ટરમાં બ્લડ પ્રેશર, ડાયાબીટીઝ અને ૩ પ્રકારના કેન્સરની તપાસ થશે. તેમાં ઓરલ, બ્રેસ્ટ, સર્વિકસ કેન્સરનો સમાવેશ થાય છે.

મેટરનલ હેલ્થ અને ડિલીવરીની સુવિધા, નવજાત અને બાળકોના સ્વાસ્થ્ય, કિશોર સ્વાસ્થ્ય સુવિધા, કોન્ટ્રાસેપ્ટીવ સુવિધા અને ચેપી - બિનચેપી રોગોના મેનેજમેન્ટની સુવિધા, આંખ, નાક, કાન અને ગળા સંબંધિત બિમારીની સારવાર માટે અલગથી યુનિટ હશે. આ સિવાય વૃદ્ધોની સારવારની સુવિધા પણ મળશે.

છત્તીસગઢના નકસલ પ્રભાવિત બીજાપુર જીલ્લાના જાંગલમાં નરેન્દ્રભાઈ દ્વારા આયુષ્યમાન યોજનાનો પ્રારંભ

રાયપુર : છત્તીસગઢના નકસલ પ્રભાવિત બીજાપુર જીલ્લાના જાંગલામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે ટૂંકી મુલાકાતે પહોંચ્યા છે. રાજય સરકારે નરેન્દ્રભાઈના પ્રવાસને લઈને વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરી છે. બીજાપુરના પ્રવાસે આવનાર નરેન્દ્રભાઈ ઈન્દીરા ગાંધી બાદ બીજા વડાપ્રધાન બન્યા છે. વડાપ્રધાનના પ્રવાસના લીધે નકસલીઓ પણ સક્રિય થયા છે.

નકસલીઓએ બસ્તરના લોકોને નરેન્દ્રભાઈની સભામાં ન જાવાનું ફરમાન જાહેર કરી દીધુ છે. નકસલીઓના ફરમાન બાદ પણ સરકારી તંત્ર દ્વારા ગ્રામજનો અને આદીવાસીઓને સભા સ્થળે લાવવાની કવાયત આદરી છે. પ્રસાશન પણ પુરી તાકાત લગાડી રહ્યુ છે.

તંત્ર દ્વારા સભા સ્થળ જાંગલાને શણગાર પણ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનના પ્રવાસને લઈને ૧૬ હજાર જેટલા જવાનોને સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ પોતાના બીજાપુર પ્રવાસ દરમિયાન એશિયાના લાકડાના સૌથી મોટા ડેપોની ભેટ આપેલ. જયારે નરેન્દ્રભાઈએ અહીંથી ભારત આયુષ્માન યોજનાનો પ્રારંભ કર્યો છે.

બીજી તરફ જાસૂસી તંત્રને પણ એલર્ટ કરાયુ છે. જાંગલામાં બનાવવામાં આવેલ આયુષ્માન ભવનને વિશેષ રૂપે શણગારવામાં આવ્યુ છે. મોદીના પ્રવાસના કારણે આખી સરકાર પણ ત્યાં ઉપસ્થિત હતી. નરેન્દ્રભાઈની હાજરીમાં યોજનાની શરૂઆતથી સતાધારી પક્ષ આવનારી ચૂંટણીમાં ફાયદો મેળવી શકે છે.

નરેન્દ્રભાઈની હાજરીમાં સરકારી તંત્ર અને સત્તાધારી પક્ષ માટે મોટી મુશ્કેલીઓ હશે કે નકસલીઓના સભામાં ન જવાના ફરમાનની અટકળો વચ્ચેની પરિસ્થિતિમાં ઈન્ટીરીયર વિસ્તારોમાંથી આદિવાસીઓને સભા સ્થળ સુધી લાવવામાં ખૂબ જ મહેનત કરવી પડશે.(૩૭.૩)

 

(3:51 pm IST)