Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

મહિલાઓ માટે કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી આંદોલન શરૂ થશે

કથુઆ - ઉન્નાવઃ કોંગ્રેસને હથિયાર મળી ગયું

નવી દિલ્હી તા. ૧૪ : કઠુઆ અને ઉન્નાવની ઘટનાઓને મામલે કરવામાં આવેલી રહેલા વિરોધને કોંગ્રેસ રાષ્ટ્રવ્યાપી બનાવવા માગે છે અને એ જ કારણે કોંગ્રેસે પક્ષના રાજય અને જિલ્લા સ્તરના કાર્યકર્તાઓને મહિલાઓને ન્યાયની માગણી સાથે દેશભરમાં વિરોધપ્રદર્શન કરવાનું જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યાનુસાર રાહુલ ગાંધીએ પક્ષના કાર્યકર્તાઓને મહિલાઓનાં રક્ષણના સમર્થનમાં દેશભરમાં વિરોધપ્રદર્શન કરવા જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યાનુસાર પક્ષના મહામંત્રી અશોક ગેહલોતે રાજય અને જિલ્લા એકમના તમામ વડાઓને પક્ષના સ્થાનિક વડામથક સુધી હાથમાં મીણબત્તી લઈને કૂચ કરવા જણાવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મહિલાઓ અને બાળકીઓનું રક્ષણ કરવા જણાવી રાહુલ ગાંધીએ ગુરુવારે મધરાતે ઈન્ડિયા ગેટ સુધી કૂચ કરી હતી. કઠુઆ અને ઉન્નાવ બળાત્કારની ઘટનાને મામલે સરકારની નિષ્ક્રિયતા અંગે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું. ઉત્તર પ્રદેશમાં ગયા વરસે ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહે ૧૭ વર્ષની છોકરી પર બળાત્કાર કર્યો હતો.

લખનઊમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નિવાસસ્થાનની બહાર આ છોકરીએ આત્મદહનનો પ્રયાસ કર્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી.

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની છોકરી ૧૦ જાન્યુઆરીએ તેના ઘર નજીકથી ગાયબ થઈ ગઈ હતી અને એક અઠવાડિયા બાદ એ જ વિસ્તારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

કેસને મામલે દાખલ કરવામાં આવેલી ચાર્જશિટમાં કઈ રીતે તેનું અપહરણ કરાયું, પવિત્ર ધર્મસ્થાનમાં તેની હત્યા કરતા અગાઉ કઈ રીતે તેને ડ્રગ્સ આપી તેની પર બળાત્કાર કરવામાં આવ્યો તેની હચમચાવી નાખતી વિગતો બહાર આવી હતી.

સંબંધિત વહીવટકર્તાઓએ આરોપીઓને રક્ષણ પૂરું પાડ્યું હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો.(૨૧.૫)

(10:23 am IST)