Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહાએ વડાપ્રધાનના ઉપવાસ પર નિશાન સાધ્યું

ઉપવાસને એવું સમજી શકાય-ખાઈશ નહીં ને ખાવા દઈશ નહીં :ચાય પે ચર્ચા છે કે મતલબ વગર પકોડે પર ખર્ચો ?

 

નવી દિલ્હી :ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હાએ વડાપ્રાધાન નરેન્દ્રભાઈ મોદીના ઉપવાસ ઉપર નિશાન સાધ્યું હતું. સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કરી છે કે પ્રધાન સેવક, પ્રધાન રક્ષક અને પ્રધાન ચોકીદાર! શું ઉપવાસને એવું સમજી શકાય કે તમે પહેલા કહેતા હતા કે ખાઇશ નહીં ને ખાવા દઇશ નહીં. બસ બે વસ્તુઓ તમને પૂછવી હતી. અમે ઉપવાસ રાખ્યો છે તો અમે કેવી રીતે તોડીયે? બીજું કે ચાય પે ચર્ચા છે કે મતલબ વગરના પકોડે પર ખર્ચો ?

 અત્રે ઉલ્લેખનીય છે કે બજેટ સત્રના બીજા ભાગમાં સંસદના બંને ગૃહોમાં એક દિવસ પણ કામકાજ થઇ શક્યું અને સંસદમાં અવરોધો બનતા રહ્યા હતા. અવરોધના કારણે સત્તારૂઢ ભાજપે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી. હંગામાના વિરોધમાં વડાપ્રધાન સહિત કેન્દ્ર સરકારના દરેક મંત્રી અને ભાજપ સાંસદોએ દેશના અલગ અલગ ભાગોમાં એક દિવસનો ઉપવાસ રાખ્યો હતો. પીએમ મોદીએ ચેન્નઇમાં ઉપવાસ કર્યો હતો જ્યારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કર્ણાટકના ઘારવાડામાં બી.એસ. યેદુરપ્પાની સાથે ઉપવાસ કર્યો હતો.

   ભાજપના ઉપવાસના બે દિવસ પહેલા કોંગ્રેસના નેતાઓએ નવી દિલ્હીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પાસે યુપીના ઉન્નાવમાં ભાજપ ધારાસભ્ય કુલદિપ સિંહ સેંગર દ્વારા કથિત રેપના વિરોધમાં ઉપવાસ રાખ્યા હતા. કોંગ્રેસના ઉપવાસ ત્યારે વિવાદોમાં આવ્યા જ્યારે ઉપવાસ પહેલા કોંગ્રેસ નેતાઓ દ્વારા એક હોટલમાં છોલે ભટૂરે ખાતી તસવીરો વાયરલ થઇ હતી. જેના પર બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસના ઉપવાસને ઉપહાસ અને સત્યાગ્રહને મિથ્યાગ્રહ ગણાવ્યું હતું. પરંતુ બે દિવસ પછી ભાજપના નેતાઓએ ઉપવાસ કર્યો તો કહાનીનું પુનરાવર્તન થયું. કેટલાક બીજેપી નેતાઓ    ઉપવાસ દરમિયાન નાસ્તાની મજા માણતા ઝડપાયા હતા. જેની પણ તસવીર વાયરલ થઇ હતી.

   ઉલ્લેખનીય છે કે, ભાજપના અનુશાસન સમિતિના અધ્યક્ષ ગણેશ લાલે કેટલાક દિવસો પહેલા શત્રુઘ્ન સિન્હા સહિત બાગી નેતાઓને પાર્ટીમાંથી રાજીનામુ આપવાની સલાહ આપી હતી. અને કહ્યું હતું કે, રાજીનામુ આપ્યા પછી મન પડે એટલી ગાળો પાર્ટીને આપી શકે છે. જણાવી દઇએ કે પૂર્વ કેન્દ્રિય મંત્રી યશવંત સિન્હા, પટના સાહિબથી સાંસદ શત્રુઘ્ન સિન્હા અને બીજેપી નેતા અરુણ શૌરી સતત પાર્ટીના નેતૃત્વ ઉપર સતત હુમલા કરતા આવ્યા છે. બંને નેતાઓ અત્યારે ઇશારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન સાધે છે તો કોઇ અવસર પર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપર શબ્દોના બાણ ચલાવે છે.

(12:00 am IST)