Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

કોંગ્રેસનું મિશન લોકસભા

રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત : સંબોધશે ૧૦ જનસભા

કોંગ્રેસના પ્રદેશ નેતાઓ રાજ્યભરમાં ૧૦૦થી વધુ જનસભાઓ ગજવશે

નવી દિલ્હી તા. ૧૪ : લોકસભા ચૂંટણી ૨૦૧૯ની તારીખો જાહેર થયા બાદ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર અને રાજકીય રણનીતિ ઘડવામાં આવી રહી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં CWCની બેઠક યોજી પ્રચારની શરૂઆત કરી હતી. આ બેઠક બાદ હવે ફરીથી રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવશે તેવી માહિતી મળી રહી છે.

રાહુલ ગાંધી આગામી દિવસોમાં ફરીથી ગુજરાત આવશે અને તેઓ અહીં ૧૦ જનસભા સંબોધશે. ખાસ કરીને તેઓ ગુજરાતના ચાર ઝોનમાં બે-બે સભા યોજશે. ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ગુજરાત આવી પાર્ટી માટે પ્રચાર કરશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની સાથે પ્રદેશના નેતાઓ પણ ચૂંટણી પ્રચાર કરશે. કોંગ્રેસના પ્રદેશ નેતાઓ રાજયભરમાં ૧૦૦થી વધુ જનસભાઓ ગજવશે. ગુજરાતના ખૂણે-ખૂણે જનસભા યોજી તેઓ પાર્ટી માટે પ્રચાર કરશે. આટલું જ નહીં, પ્રિયંકા ગાંધીને ફરી ગુજરાત આવવા માટે પ્રદેશ કોંગ્રેસે આમંત્રણ આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધીએ પહેલીવાર અમદાવાદમાં જનસંકલ્પ રેલીમાં જાહેર ભાષણ આપ્યું હતું. CWCની બેઠક માટે સોનિયા ગાંધી, મનમોહનસિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાત કોંગી નેતાની દિલ્હી તરફ કૂચ.......

અમદાવાદ, તા. ૧૪ : લોકસભાની ચૂંટણીને લઇ વિવિધ બેઠકો પર ઉમેદવારોના નામની પેનલ અને તેની પર પસંદગીને લઇ કોંગ્રેસ હાઇકમાન્ડની મંજૂરી અને અધિકૃત મહોર મેળવવાના ઇરાદાથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ આજે સાંજે દિલ્હી જવા રવાના થયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ દિલ્હી ખાતે કોંગી હાઇકમાન્ડની મુલાકાતે પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા લોકસભા બેઠકોને લઇ ઉમેદવારોના નામોની ચર્ચા અને પસંદગીની કવાયત કોંગી હાઇકમાન્ડ સાથે હાથ ધરવામાં આવશે, જેમાં ૨૨ બેઠકોના ઉમેદવાર અંગે પસંદગીની મહોર મરાય તેવી શકયતા છે. વળી, આવતીકાલે તા.૧૫મી માર્ચ અને તેના બીજા દિવસે ૧૬ માર્ચ એમ બે દિવસ દરમ્યાન દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીની મહત્વની બેઠક મળનાર છે, તેમાં ઉમેદવારોની પસંદગીનું ચિત્ર સ્પષ્ટ થઇ જાય તેવી શકયતા છે અને ત્યારબાદ ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત થાય તેવું મનાઇ રહ્યું છે. ઉમેદવારોના નામોને લઇ ગુજરાત કોંગ્રેસમાં પણ ભારે ઉત્સુકતા અને ઇન્તેજારીનો માહોલ છવાયો છે

(8:23 pm IST)