Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

જીએસટી કાઉન્સિલની મીટીંગને ચૂંટણી પંચની લીલી ઝંડી

આચારસંહિતા લાગુ નહીં પડે : ૧૯મીએ બેઠક

નવી દિલ્હી તા. ૧૪ : ચૂંટણી પંચે રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટેના નીચા જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેકસ) દરોના અમલીકરણ સહિતના વિવિધ મુદ્દે વિચારણા કરવા આગામી ૧૯મી માર્ચે નિયત થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકને લીલી ઝંડી બતાવી છે.આ મીટિંગ વિડિયો કોન્ફરન્સિંગ મારફત યોજાશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.ચૂંટણી પંચની મંજૂરી મળી જવાને પગલે જીએસટી કાઉન્સિલના સચિવાલય ખાતેથી રાજયોને ૧૯મી માર્ચે યોજાનારી કાઉન્સિલની ૩૪મી બેઠકમાં હાજરી આપવા માટેની સૂચના આપવામાં આવી રહી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.રવિવારથી ચૂંટણી સંબંધિત આચારસંહિતા લાગુ પડી ગઈ હોવાથી ચૂંટણી પંચની મંજૂરી જરૂરી હતી.

અગાઉની મીટિંગમાં ઉચ્ચ-સ્તરીય જીએસટી કાઉન્સિલે બાંધકામ હેઠળના ફલેટો પરના વેરાનો દર પહેલી એપ્રિલથી લાગુ પડે એ રીતે ઘટાડીને પાંચ ટકા કરી નાખ્યો હતો તેમ જ નીચલા વર્ગોને પરવડી શકે એવા ભાવના ઘરો પરના ટેકસનો દર ઘટાડીને એક ટકો કરી નાખ્યો હતો.

હાલમાં બાંધકામ હેઠળની પ્રોપર્ટી કે રહેવા માટે તૈયાર ફલેટો માટેના પેમેન્ટ પરની ઇન્પુટ ટેકસ ક્રેડિટ (આઇટીસી) સાથે ૧૨ ટકાના દરે જીએસટી લેવામાં આવે છે. તૈયાર ફલેટો એવા હોય છે જેમાં વેચાણના સમયે પૂર્ણતાનું સર્ટિફિકેટ આપવામાં નથી આવ્યું હોતું. પરવડી શકાય એવી રહેવાલાયક યુનિટો (ઘરો) માટે ૮ ટકાનો ટેકસનો દર અત્યારે પ્રવર્તમાન છે.

ફેબ્રુઆરીમાં જીએસટી કલેકશન ઘટીને ૯૭,૨૪૭ કરોડ રૂપિયા હતું જે આગલા મહિને ૧.૦૨ લાખ કરોડ એકત્રિત થયું હતું. ફેબ્રુઆરીના જીએસટી કલેકશનમાં સેન્ટ્રલ જીએસટીનું પ્રમાણ ૧૭,૬૨૬ કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી (એસજીએસટી) ૨૪,૧૯૨ કરોડ રૂપિયા, ઇન્ટીગ્રેટેડ જીએસટી ૪૬,૯૫૩ કરોડ રૂપિયા અને સેસ ૮૪૭૬ કરોડ રૂપિયા હતું.

વર્તમાન નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં કુલ ૧૦.૭૦ લાખ કરોડ રૂપિયાનો જીએસટી એકત્રિત થયો છે. સરકારે વર્તમાન નાણાકીય વર્ષ માટેનો જીએસટી કલેકશનનો લક્ષ્યાંક સુધારિત અંદાજોમાં ૧૩.૭૧ લાખ કરોડ રૂપિયાથી ઘટાડીને ૧૧.૪૭ લાખ કરોડ રૂપિયા કરી નાખ્યો છે.

એપ્રિલમાં જીએસટી કલેકશન ૧.૦૩ લાખ કરોડ રૂપિયા, મેમાં ૯૪,૦૧૬ કરોડ રૂપિયા, જૂનમાં ૯૫,૬૧૦ કરોડ રૂપિયા, જુલાઈમાં ૯૬,૪૮૩ કરોડ રૂપિયા, ઓગસ્ટમાં ૯૩,૯૬૦ કરોડ રૂપિયા, સપ્ટેમ્બરમાં ૯૪,૪૪૨ કરોડ રૂપિયા, ઓકટોબરમાં ૧,૦૦,૭૧૦ કરોડ રૂપિયા, નવેમ્બરમાં ૯૭,૬૩૭ કરોડ રૂપિયા, ડિસેમ્બરમાં ૯૪,૭૨૫ કરોડ રૂપિયા અને જાન્યુઆરીમાં ૧.૦૨ લાખ કરોડ રૂપિયા હતું.

આગામી નાણાકીય વર્ષ (૨૦૧૯-૨૦) માટે જીએસટી કલેકશન ટાર્ગેટ ૧૩.૭૧ લાખ કરોડ રૂપિયા નિયત કરવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

(10:34 am IST)