Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

હવે અમેરિકા જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે

વર્ષ ૨૦૧૭માં ૪૭૩૦૨ વિદ્યાર્થીઓને વિઝા : ૨૦૧૬માં ૬૫૨૫૭ ભારતીય વિદ્યાર્થીને વિઝા મળ્યા

મુંબઈ, તા. ૧૪ : અમેરિકા અભ્યાસ માટે જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. ૨૦૧૬માં ૨૭ ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. ૨૦૧૬માં ૬૫૨૫૭ ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકી વિઝા મળ્યા હતા જ્યારે વર્ષ ૨૦૧૭માં ૪૭૩૦૨ ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકી વિઝા મળ્યા હતા. આનો મતલબ એ થયો કે, ૨૭ ટકા સુધીનો ઘટાડો આમા નોંધાયો હતો. જ્યારે ચીનમાંથી વિઝા મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૧૬માં ૧૫૨૧૨૦ નોંધાઇ હતી. ૨૦૧૭માં ૧૧૬૦૧૯ની સંખ્યા નોંધાઈ હતી. વિઝાને લઇને અનિશ્ચિતતા, કઠોર ઇમિગ્રેશન પોલિસીના પરિણામ સ્વરુપે અમેરિકા જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા કઠોર નિર્ણય અમલી કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં અને ખાસ કરીને ભારત અને ચીનના વિદ્યાર્થીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ૧૬ ટકાનો ઘટાડો એકંદરે નોંધાયો છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે પુરા થયેલા વર્ષ માટેના આંકડા દર્શાવે છે કે, વિદ્યાર્થીઓમાં ઘટાડો થયો છે. અગાઉના વર્ષમાં ૪.૨૧ લાખ વિદ્યાર્થીઓને વિઝા મળ્યા હતા. એક વર્ષ અગાઉ આ આંકડો ૫.૦૨ લાખનો હતો. અમેરિકી વિદેશ વિભાગ દ્વારા પણ વિઝાના આંકડા જારી કરવામાં આવ્યા છે.  ૨૦૧૩માં ૫.૬ લાખ વિદ્યાર્થીઓને વિઝા મળ્યા હતા. જ્યારે ૨૦૧૪માં ૬.૩ લાખ વિદ્યાર્થીઓને વિઝા મળ્યા હતા. ૨૦૧૫માં ૬.૮ લાખ, ૨૦૧૬માં ૫ લાખ અને ૨૦૧૭માં ૪.૨ લાખને વિઝા આપવામાં આવ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે આ ઘટાડો ૨૭ ટકાની આસપાસનો છે. આ ગાળામાં ૪૭૩૦૨ વિઝા આપવામાં આવ્યા છે જ્યારે ૨૦૧૬માં ૬૫૨૫૭ વિઝા અપાયા હતા. તે વખતે ઓબામા તંત્ર હતું. ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એચવન-બી વિઝાની નીતિ વધુ કઠોર બનાવવામાં આવી છે. એચવન-બી ભારતીયો માટે લોકપ્રિય વર્ક વિઝા તરીકે છે.

સાથે સાથે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ સાથે સંબંધિત અનિશ્ચિતતાના લીધે પણ વિઝામાં ઘટાડો થયો છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે પુરા થયેલા વર્ષ દરમિયાન એકંદરે ૩.૯૩ લાખ વિઝા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તથા ૨૭૪૩૫ વિઝા એફ-ટુ કેટેગરીમાં પત્નિ અને બાળકોને આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થી વિઝાની મંજુરીમાં હાલમાં વધારો થયો છે. ૨૦૧૫માં ૬.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને વિઝા મળ્યા હતા. ગયા વર્ષે વર્ક વિઝા માટે અરજી કરવાની સિઝન દરમિયાન યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ દ્વારા કઠોર એપ્લિકેશન ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

વિદ્યાર્થીઓની સંખ્યા...

        મુંબઈ, તા. ૧૪ : અમેરિકા અભ્યાસ માટે જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. ૨૦૧૬માં ૨૭ ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. ૨૦૧૬માં ૬૫૨૫૭ ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકી વિઝા મળ્યા હતા જ્યારે વર્ષ ૨૦૧૭માં ૪૭૩૦૨ ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકી વિઝા મળ્યા હતા. ભારત અને ચીનના વિદ્યાર્થીઓને વિઝાનું ચિત્ર નીચે મુજબ છે.

ભારતીય વિદ્યાર્થીઓને વિઝા

૨૦૧૬...................................................... ૬૫૨૫૭

૨૦૧૭...................................................... ૪૭૩૦૨

ઘટાડો..................................................... ૨૭  ટકા

ચીનના વિદ્યાર્થીઓને વિઝા

૨૦૧૬................................................... ૧૫૨૧૨૦

૨૦૧૭................................................... ૧૧૬૦૧૯

ઘટાડો....................................................... ૨૪ ટકા

(7:41 pm IST)