Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ઇન્ડીગોએ આજે ૪૨ ફલાઇટો રદ્દ કરીઃ અન્ય એરલાઇન્સે કર્યો ભાડામાં વધારોઃ ૧૨ શહેરો પર પડી અસર

મુસાફરો હેરાન - પરેશાનઃ ગો એરે પણ અનેક રૂટ કર્યા કેન્સલ

નવી દિલ્હી તા. ૧૪ : ઇન્ડીગો અને ગોએરના એરબસ ૩૨૦ના નિયો પ્લેનના ડીજીસીએના આદેશ બાદ ફલાઇટો પર ખૂબ જ ખરાબ અસર પડી છે. આજે પણ ઇન્ડીગોએ ૪૨ ફલાઇટ્સને રદ્દ કરી દીધી છે. દેશમાં ઇન્ડીગોમાંથી ૪૦ ટકા ઘરેલું યાત્રિકોને એક સ્થળથી બીજા સ્થળે પહોંચાડે છે. બીજી બાજુ ગોએરમાંથી કુલ ૯ ટકા યાત્રિકો મુસાફરી કરે છે.

ઇન્ડીગોએ આજે જે શહેરો માટે પોતાની ફલાઇટ્સને રદ્દ કરી છે. તેમાં મુંબઇ, કલકત્તા, પૂણે, જયપુર, શ્રીનગર, ભુવનેશ્વર, ચેન્નાઇ, દિલ્હી, દહેરાદુન, અમૃતસર, બેંગલુરૂ અને હૈદરાબાદ સામેલ છે. ગોએરે પણ કેટલાક રૂટની તેઓની ફલાઇટો રદ્દ કરી છે તેનાથી લાખો મુસાફરોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ડાયરેકટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)એ એરબસ ૩૨૦ નિયો પ્લેનના એન્જીનમાં આવતી ખામીનોના કારણે બંને એરલાઇન્સના ૧૧ પ્લેનના ઉડાણ પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. જેના કારણે અનેક ફલાઇટ્સ રદ્દ કરવી પડી હતી.

એરબસ ૩૨૦(નિયો)ના પ્રેટ એન્ડ વ્હિટની ૧૧૦૦ની નવી સીરિઝના એન્જીનમાં ઉદભવતી ખામીઓના કારણે DGCA દ્વારા આ આદેશ આપવામા આવ્યો હતો. જેના કારણે આજે ફલાઇટ બુકિંગના અંતિમ કલાકોમાં અન્ય એરલાઇન્સમાં બુકિંગ કરાવવા માટે પડાપડી સર્જાઈ હતી. જેનો લાભ લેવા માટે તમામ એરલાઇન્સે તેની ટિકિટના ભાવ એકદમ વધારી દીધા હતા.

દેશના બીજા સૌથી મોટા ટ્રાવેલ પોર્ટલ યાત્રા ડોટ કોમના COO શરત ઢલે કહ્યું કે, 'ફલાઇટ્સના કેન્સલ થવાના કારણે દેશના હેવી ટ્રાપિક રૂટ પર તરત જ અન્ય ફલાઇટ્સના ભાવ વધારી દેવામાં આવ્યા હતા. જેમ કે દિલ્હી-મુંબઈ વચ્ચેનું ભાડુ વધીને ૧૨,૦૦૦ રૂપિયાથી વધી ગયું હતું. જોકે હવે આજથી ભાડામાં થોડો ઘટાડો થાય તેવી શકયતા છે.'

(4:57 pm IST)