Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

વિપક્ષી એકતાને તોડવાનો ભાજપનો ચક્રવ્યૂહ

સોનિયાના ઘરે ગઇકાલે યોજાયેલી ડીનર પાર્ટીથી દેશની રાજનીતિમાં નવા અધ્યાયનો આરંભ

રાજકોટ તા. ૧૪ : કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતિ સોનિયા ગાંધીના નવી દિલ્હી ખાતેના નિવાસસ્થાને ગઇકાલે ભાજપ સામેના વિપક્ષોને એકત્ર કરવા ડીનર પાર્ટી યોજાયેલ જેનાથી દેશની રાજનીતિમાં નવા અધ્યાયનો આરંભ થયો છે. ેક તરફ કોંગ્રેસ અને સાથી પક્ષો ભાજપ સામે મજબૂત પડકાર ઉભો કરવા માંગે છે. બીજી તરફ વિપક્ષી એકતાને તોડવા માટે ભાજપે ચક્રવ્યૂહ ગોઠવવાનું શરૂ કરી દીધાના સંકેત છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પૂર્વે યુ.પી.એ. અને એન.ડી.એ.ને લગતા સમીકરણોમાં ધરખમ ફેરફારો જોવા મળે તો નવાઇ નહિ. ચૂંટણી ટાણે ફલોટીંગ વોટ (કઇ તરફ જાય તે અનિશ્ચિત મનાતા મત) તાકાતવાન સંગઠન તરફ ઢળે છે તે બાબત ધ્યાને રાખીને ભાજપ - કોંગ્રેસ બંને તરફથી તાકાત વધારવાના પ્રયાસો શરૂ થઇ ગયા છે.

સોનિયાના ઘરે ડીનર પાર્ટીમાં એનસીપી, આર.જે.ડી., સપા, બ.સ.પા., તૃણમૂલ કોંગ્રેસ, ડી.એમ.કે., ડાબેરીઓ સહિત ૨૦ જેટલા પક્ષોના નેતાઓ હાજર રહેલ. અલગ-અલગ લડવાના બદલે બધા એક થઇને લડે તો ભાજપનો સામનો પ્રભાવક રીતે કરી શકે તે બાબત પર ચર્ચા થઇ હતી. દરેક પક્ષ માટે ભાજપ સામે અસ્તિત્વ ટકાવવાનો પ્રશ્ન છે તેથી કોંગ્રેસના નેતૃત્વમાં ગઠબંધનની પહેલને સારો પ્રતિસાદ મળ્યો છે.

ભાજપે નરેન્દ્રભાઇ મોદીની સરકારની કામગીરી પર મત માંગવાના છે. ભાજપ વિરોધી મતોનું ધ્રુવીકરણ અટકે તો ભાજપને નુકસાન જાય. કોંગ્રેસની રાહબરીમાં એકત્ર થતી તાકાતને નબળી પાડવા માટે ભાજપ સઘળી તાકાત કામે લગાડે તે સ્વાભાવિક છે. અત્યારે કોંગ્રેસના સાથીદાર ગણાતા અમૂક પક્ષો ચૂંટણી પહેલા સ્થાન પરિવર્તન કરી નાખે તે સંભાવના નકારી શકાય નહિ.

(4:25 pm IST)