Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

અયોધ્યા કેસ : દરમિયાનગીરીની માંગ કરતી અરજીઓને ફગાવાઈ

દરમિયાનગીરી કરતી તમામ અરજીઓ ઉપર સુનાવણીનો ઇન્કાર : મૂળભૂત પક્ષોની રજૂઆતોને સાંભળવાનો સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો : મૂળભૂત મામલામાં દરમિયાનગીરીની સુબ્રમણ્યમ સ્વામીની અરજીને ફગાવી દેવાઈ

નવીદિલ્હી,તા. ૧૪ : બાબરી મસ્જિદ રામ મંદિર ટાઇટલ કેસમાં દરમિયાનગીરીની માંગ કરતી અરજીઓને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી. ચાલી રહેલા મામલામાં દરમિયાનગીરી કરવાની ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ અશોક ભૂષણ, એસએ નજીબની બનેલી ખાસ બેંચે એવી રજૂઆતને સ્વીકારી લીધી હતી કે આ કેસમાં આગળ દલીલબાજી કરવા માટેની મંજુરી વિવાદમાં મુખ્યરીતે મૂળભૂત પાર્ટીઓને જ આપવી જોઇએ. સુપ્રીમ કોર્ટે સ્વામીની અરજીને પણ ફગાવી દીધી હતી. જો કે, કોર્ટે સ્વામીની રિટ પિટિશન જે ફગાવી દેવામાં આવી હતી તેને ફરી હાથ ઉપર લેવાનો આદેશ કર્યો હતો જેમાં સ્વામીએ અયોધ્યાના વિવાદાસ્પદ સ્થળ ઉપર રામ મંદિર ખાતે પૂજા કરવાના તેમના મૂળભૂત અધિકારને અમલી કરવાની માંગ કરવામાં આવી હતી. સ્વામીએ કહ્યું હતું કે, તેઓએ એક રિટ પિટિશન દાખલ કરી હતી અને કહ્યું હતું કે, પૂજા કરવાનો તેમનો મૂળભૂત અધિકાર રહેલો છે. પ્રોપર્ટી રાઇટ કરતા આ વધારે મહત્વપૂર્ણ અધિકાર હોવાની દલીલ સ્વામીએ કરી હતી.

સુપ્રીમ કોર્ટની ખાસ બેંચે ચાર સિવિલ ચુકાદાને લઇને હાઈકોર્ટના આદેશ સામે ૧૪ અરજીઓ દાખલ કરી હતી. આ અરજીઓને આજે ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેમાં અલ્હાબાદ હાઈકોર્ટે ૨૧૦માં જે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો તેમાં જણાવવામાં આવ્યું હતું કે, સુન્ની વક્ફ બોર્ડ, નિરમોહી અખાડા અને રામલલ્લા એમ ત્રણ પાર્ટીઓની અંદર જમીનને એક સાથે વહેંચી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટે આજે અયોધ્યા વિવાદ સાથે જોડાયેલી એવી તમામ અરજીઓને ફગાવી દીધી હતી જે મૂળભૂત દાવેદારો અથવા તો પ્રતિવાદીઓ તરફથી રજૂ કરવામાં આવી ન હતી. હવે કોર્ટ માત્ર ઓરિજિનલ પિટિશનરોને જ સાંભળશે.

(7:40 pm IST)