Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ભ્રષ્ટાચારમાં નંબર વન - કોંગ્રેસ શાસિત કર્ણાટક!!

એ પછીના ક્રમે આંધ્રપ્રદેશ - તામિલનાડુ - મહારાષ્ટ્ર - જમ્મુ અને કાશ્મીર તથા પંજાબ

નવી દિલ્હી તા. ૧૪ : જાહેર સેવાઓ માટે કોંગ્રેસના સિધ્ધ રમૈયા શાસિત કર્ણાટકના લોકો મહત્તમ ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા છે. ૨૦ રાજ્યોના હાથ ધરાયેલા સર્વેમાં આ વાત બહાર આવી છે. નરેન્દ્રભાઇએ મુખ્યમંત્રી સિધ્ધ રમૈયાને 'સિધા રૂપૈયા' તરીકે ઓળખાવેલ તે સૂચક છે.

ધ સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ (સીએમએસ)એ ભારતનો વાર્ષિક ભ્રષ્ટાચાર સ્ટડીનો ૧૧મો રાઉન્ડ જાહેર કર્યો હતો. આ સર્વે મુજબ પ્રતિભાવ આપનારા કર્ણાટકના ૭૭ ટકા લોકોએ જાહેર સેવાઓ મેળવવા માટે ભ્રષ્ટાચારનો અનુભવ કર્યાનું કહ્યું હતું. એ પછી ૭૪ ટકા સાથે ચંદ્રબાબુ નાયડુનો આંધ્રપ્રદેશ બીજા નંબરે, ૬૮ ટકા સાથે જયલલિતાના પક્ષ શાસિત તામિલનાડુ, ૪થા નંબરે ભાજપ - શિવસેનાના વડપણ હેઠળનું મહારાષ્ટ્ર ૫૮ ટકા સાથે, ભાજપ - પીડીપી શાસિત જમ્મુ - કાશ્મીર ૪૪ ટકા સાથે પાંચમાં અને કોંગ્રેસ શાસિત પંજાબ ૪૨ ટકા સાથે છઠ્ઠા નંબરે છે.

આ સર્વે ૨૦ રાજ્યોમાં ૧ વર્ષ સુધી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ૩૦૦૦ ઘરોમાં હાથ ધરાયેલ, જેમાં આંધ્ર, આસામ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને પંજાબને આવરી લેવાયા હતા.

સર્વે હાથ ધરનાર સીએમએસના ચેરમેન એન. ભાસ્કર રાવે કહેલ કે, અમે ઘણા વર્ષોથી ભ્રષ્ટાચાર ઉપર રીપોર્ટ આપી રહ્યા છે. નીતિ આયોગ આ હેવાલોની નોંધ લ્યે તેમ અમે ઇચ્છીએ છીએ. કારણ કે તેઓ જ નીતિ ઘડનારા છે.

તેમણે કહેલ કે, ૨૦૦૫માં ભારતમાં સૌથી ભ્રષ્ટાચારી રાજ્ય બિહાર હતું. ૭૪ ટકા લોકોએ આવો મત દર્શાવેલ. જ્યારે ૬૯ ટકા સાથે જમ્મુ - કાશ્મીર, ૬૦ ટકા સાથે ઓડીસા, ૫૯ ટકા સાથે રાજસ્થાન અને ૫૯ ટકા સાથે તામિલનાડુ તે પછીના ક્રમે આવતા હતા.

સીએમએસએ ડીમોનીટાઇઝેશન - નોટબંધ અંગે પણ લોકો ઉપર અસર તપાસવા ૨૦ રાજ્યોમાં જાન્યુઆરીમાં સર્વે હાથ ધરેલ.

(10:37 am IST)