Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ચીનના સ્‍પેસ સ્‍ટેશને કામ કરવાનું બંધ કરી દીધું: અેપ્રિલમાં ભ્રમણકક્ષામાંથી નીકળીને ધરતી પર ખાબકશે

બેઇજીંગઃ વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન માટે છોડાયેલ ૮ હજાર કિલો વજનવાળું સ્‍પેશ સ્‍ટેશને કામ કરવાનું બંધ કરી દેતા અેપ્રિલ મહિનામાં ધરતી ઉપર ખાબકશે, જેને લઇને વૈજ્ઞાનિકોઅે ચિંતા વ્‍યક્ત કરી છે.

જ્યારથી આ અહેવાલ સામે આવ્યા છે. ત્યારથી લોકોમાં દહેશત પેદા થવી સામાન્ય વાત છે. ડર એ વાતનો પણ છે કે ધરતી પર ખાબકનારું આઠ હજાર કિલોગ્રામનું ધાતુથી બનેલું સ્પેસ સ્ટેશન પૃથ્વીના ક્યાં હિસ્સાને તબાહ કરશે. ડર એ વાતનો પણ છે કે ભારત પણ ખતરાના નિશાનમાંથી બાકાત નથી.

ચીનના સ્પેસ સ્ટેશન ટિયેંગૉગ-1ને 29 સપ્ટેમ્બર-2011ના રોજ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું. 18 હજાર પાઉન્ડ એટલે કે લગભગ આઠ હજાર કિલોગ્રામનું આ સ્પેસ સ્ટેશન ચીનનું પહેલું પ્રોટોટાઈપ સ્પેસ સ્ટેશન છે. મંડેરિન ભાષામાં ટિયેંગૉગનો અર્થ થાય છે સ્વર્ગનો મહેલ. એટલે કે જ્યારે ચાઈના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને ટિયેંગૉગ-1નું લોન્ચિંગ કર્યું હતું. તેને મહેલ જેવું બનાવવાની કોશિશ કરવામાં આવી હતી. આ સ્પેસ સ્ટેશને 2013માં જ પોતાની ભ્રમણ કક્ષા છોડવાની શરૂઆત કરી દીધી હતી. ચીનના વૈજ્ઞાનિકોએ નાસાની મદદ લીધી અને સ્પેસ સ્ટેશનને પાછું ઓર્બિટમાં સ્થાપિત કરવાની કોશિશ કરી હતી. પરંતુ 2016માં આખરે વૈજ્ઞાનિકોએ માની લીધું હતું કે સ્પેસ સ્ટેશન પોતાના માર્ગમાંથી ભટકી ચુક્યું છે અને તેને ફરીથી યોગ્ય કક્ષામાં સ્થાપિત કરવું શક્યન થી. 2018ના જાન્યુઆરીમાં કહેવામાં આવ્યું કે આ ચીની સ્પેસ સ્ટેશન ધરતી પર થોડાક દિવોસોની અંદર ખાબકશે.

વૈજ્ઞાનિકો હજી સુધી નક્કી કરી શક્યા નથી કે આ સ્પેસ સ્ટેશનના અવશેષ ક્યાં ઠેકાણે પડશે. તેની સાથે એપ્રિલની કઈ તારીખે સ્પેસ સ્ટેશનના ટુકડા આકાશમાંથી પડશે. વૈજ્ઞાનિકોને હાલ એટલી જ જાણકારી છે કે આ ટુકડા 43 ડિગ્રી પૂર્વ લેટિટ્યૂડથી 43 ડિગ્રી દક્ષિણી લેટિટ્યૂડની વચ્ચે ખાબકશે. નાસા દ્વારા રિલિઝ કરવામાં આવેલા નક્શા પ્રમાણે દુનિયાના મધ્ય અને દક્ષિણ ભાગમાં આ સ્પેસ સ્ટેશનના ખાબકવાની સંભાવના છે. નાસાના નક્શા પ્રમાણે દુનિયાના નક્શામાં રહેલી કાળી પટ્ટીવાળા સ્થાનમાં આ સ્પેસ સ્ટેશનના અવશેષ પડવાની સૌથી વધુ સંભાવના છે. તો આ બંને કાળી પટ્ટીઓના વચ્ચેના ભાગમાં ઓછો તો ઓછો પણ ખતરો તો તોળાઈ જ રહ્યો છે.

ટિયેંગૉગ-1 પૃથ્વીથી 290 કિલોમીટર ઉપર સ્થાપિત છે અને 28 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચીની સ્પેસ સ્ટેશન પૃથ્વીના ચક્કર કાપી રહ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેના ધરતી પર ખાબકવાથી ડરવાની કોઈ વાત નથી. ટેક્નિકલ ખામીઓ અને આટલી ઝડપથી પરિક્રમા કરવાને કારણે ચીની સ્પેસ સ્ટેશનનો મોટાભાગનો હિસ્સો બળી ચુક્યો છે. ધરતી પર પડતા પહેલા આ સ્પેસ સ્ટેશનના ટુકડેટુકેડા થઈ જશે. તેથી સ્પેસ સ્ટેશનના ધરતી પર પડવાથી કમનસીબે કોઈ નાનો બાગ કોઈને સ્પર્શી પણ જશે તો તેનું કદ નાના કાંકરાથી વધારે નહીં હોય. એરોસ્કોપ એનાલિસિસના હિસાબથી આકાશમાંથી પડનારા આ ટુકડાઓને કારણે ઈજા પામનારાઓની સંખ્યા એક લાખ કરોડમાંથી એકથી પણ ઓછી છે. વૈજ્ઞાનિક વિલિયમ એલોરે મજાક કરતા કહ્યુ છે કે આનાથી વધુ સંભાવના તો કોઈના વીજળી પડવાને કારણે ઘાયલ થવાની છે.

ભૂતકાળમાં કેટલાક સ્પેસ શિપના પૃથ્વી પર પડવાની ઘટનાઓ બની છે. જેમાં રશિયાનો સ્પેસશિપ મિર 23 માર્ચ 2001ના રોજ નિયંત્રિત રીતે પેસિફિક મહાસાગરમાં ખાબકયો હતો. અમેરિકાનો સ્કાઈલેબ 17 જુલાઈ-1979ના રોજ અનિયંત્રિત હાલતમાં હિંદ મહાસાગરમાં ખાબક્યો હતો. રશિયાનું સેલ્યુટ-સેવન સ્પેસશિપ સાત ફેબ્રુઆરી-1991ના રોજ અનિયંત્રિત હાલતમાં અર્જેન્ટિનામાં પડયું હતું. રશિયાનું સેલ્યુટ-સિક્સ સ્પેસશિપ 29 જુલાઈ-1992ના રોજ નિયંત્રિત રીતે અજ્ઞાત સ્થાને ઉતારવામાં આવ્યું હતું.

સૌથી મહત્વની વાત એ છે કે આજ સુધી ઉપગ્રહ, રોકેટના હિસ્સા અને ઘણાં તૂટેલાફૂટેલા હિસ્સા આકાશમાંથી પૃથ્વી પર પડયા છે. પરંતુ કોઈના પણ તેની નીચે દબાઈને મરવાના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. ત્યાં સુધી કે અત્યાર સુધીમાં માત્ર એક જ મહિલાએ અવકાશીય અવશેષ ટકરાયાની વાત જણાવી છે. આ મહિલાનું નામ લૉટી વિલિયમ્સ હતું અને તે ઑકહોમાને ટલ્સાની વતની હતી. તે સવારે ફરવા માટે નીકળ્યા હતા અને તેમના ઉપર રોકેટની એક ટાંકી આવીને પડી હતી. તેમને હળવી ઈજાઓ પહોંચી હતી.

(12:00 am IST)