Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદનું અસ્‍તિત્વ જોખમમાં?: યોગી આદિત્યનાથની હિન્દુ યુવા વાહિનીનું પ્રભુત્વ ગુજરાતમાં વધ્યું

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદનો ધ્વજ લહેરાઇ રહ્યો છે ત્યારે છેલ્લા થોડા મહિનામાં ગુજરાતમાં હિન્દુવાદી યોગી આદિત્યનાથની હિન્દુ યુવા વાહિનીનો ફેલાવો વધતા વિશ્વ હિન્દુ પરિષદ સામે અસિતત્વ ટકાવવાનો પડકાર ઉભો થયો છે.

હાલ ગુજરાતમાં આ સંગઠન પાસે ૨૦,૦૦૦થી વધુ રજિસ્ટર્ડ સભ્યો છે. ઉપરાંત બે લાખથી વધુ સભ્યો અનરજિસ્ટર્ડ છે અને બે લાખ સભ્યોની સભ્યપદની અરજી પેન્ડિંગ છે.  વિશ્વ હિન્દુ પરિષદ અને તેના નતાઓનું રાજકીય પ્રભુત્વ જે રીતે ઓસરી રહ્યું છે તે જોતા આ સંગઠન વિહિપનો વિકલ્પ બને તો નવાઈ નહીં. વિહિપ જે બાબતોમાં ઉણું ઉતર્યુ તેનું પુનરાવર્તન આ સંગઠન ન કરવા માગતું હોય તેવું તેના આયોજન કરથી લાગે છે. 

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શરૃ કરેવું હિન્દુવાદી સંગઠન હિન્દુ યુવા વાહિની ધીમે-ધીમે ગુજરાતમાં પોતાનો પ્રચાર-પ્રસાર કરી રહ્યું છે. ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પહેલેથી છે જ પરંતુ આ સંગઠન વ્યૂહાત્મક રીતે ગુજરાતમાં પોતાનો ફેલાવો કરી રહ્યું છે. 

તો બીજી તરફ ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને તેના અગ્રીમ નેતાઓ સાથે આજકાલ ઘણી કરૃણાંતિકાઓ સર્જાઈ રહી છે. ગુજરાતમાં હાલ આ સંગઠન પાસે ૨૦,૦૦૦થી પણ વધુ સક્રિય અને રજિસ્ટર્ડ સભ્યો છે અને બે લાખથી પણ વધુ એવા સભ્યો છે જે રજિસ્ટર્ડ નથી પરંતુ વિવિધ કાર્યક્રમો સમયે પોતાની કામગીરી કરતા રહે છે. ગુજરાતના અમુક શહેરોમાં આ સંગઠનોએ મહિલા મોરચો પણ શરૃ કર્યો છે. 

ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદના એક સમયના રાજકીય પ્રભુત્વની વાતો જગજાહેર છે. હાલ તો હિન્દુ યુવા વાહિની ગુજરાતમાં વિહિપ સાથે વિવિધ કાર્યક્રમો અને આયોજનોમાં ભાગ લઈ રહી છે પરંતુ જે રાજકીય પરિસ્થિતિ ઉત્તરપ્રદેશમાં સર્જાઈ હતી તે ગુજરાતમાં પણ સર્જાઈ શકે છે. 

૨૦૧૭માં ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીઓ સમયે હિન્દુ યુવા વાહિનીએ ભાજપ સામે આડકતરી રીતે બંડ પોકાર્યો હતો. હિન્દુ યુવા વાહિનીએ એવું કારણ આપ્યુ હતું કે ભાજપે યોગી આદિત્યનાથને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર નથી કર્યા તેથી અમે નારાજ છીએ. જેના કારણે ભાજપના ઉમેદવારો સામે હિન્દુ યુવા વાહિનીએ પણ ઉમેદવારો ઉતાર્યા હતા. 

ઉત્તર પ્રદેશમાં ભાજપ અને હિન્દુ યુવા વાહિની વચ્ચે અણબનાવ થયો હોય તેવી પરિસ્થિતિ પણ છેલ્લાં ત્રણેક વર્ષમાં સર્જાણી છે. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્યએ ગત વર્ષે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની હાજરીમાં હિન્દુ યુવા વાહિનીનું નામ લીધા વગર એવું નિવેદન આપ્યું હતું કે સંગઠનમાં હવે પક્ષના લોકોના ભોગે બહારના લોકોને પ્રાથમિકતા અપાઈ રહી છે. હિન્દુ યુવા વાહિની રાષ્ટ્રીય સ્વયંસેવકની ભગિની સંસ્થાઓ પૈકીની ન હોવાથી ત્યાં આ મુદ્દે ખટરાગ છે.

ગુજરાતમાં સક્રિય થયેલા હિન્દુ યુવા વાહિની અને વિશ્વ હિન્દુ પરિષદની સરખામણી કરવામાં આવે તો હિન્દુ યુવા વાહિની પાસે ગુજરાત પ્રદેશની અલગ અને સક્રિય વેબસાઈટ છે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદમાં ગુજરાત પ્રાંત માટે એક અલગ વિભાગ બનાવી માહિતી આપવામાં આવી છે. 

ગુજરાતમાં  જેતપુર, નડિયાદ, ભરૃચ, ચકલાસી જેવા વિહિપ જે મુદ્દે હવે કૂણું પડયું છે તે કથિત લવ જિહાદ આ સંગઠનનો મુખ્ય મુદ્દો છે. સુરેન્દ્રનગર અને વડોદરામાં આ સંગઠને લવ જિહાદના કેસનું સમાધાન કર્યુ હોવાનો દાવો છે. પદ્માવત ફિલ્મના વિરોધ સહિના વિવિધ કાર્યક્રમોમાં આ સંગઠન વિહિપ કરતા આગળ હતું તે બાબત સમાચાર માધ્યમોમાં જોઈ શકાય છે. 

આ સંગઠન ગુજરાતમાં વર્ષ ૨૦૧૪થી સક્રિય છે પરંતુ ઉત્તર પ્રદેશમાં યોગીની સરકાર બન્યા પછી ગુજરાતમાં પણ લોકોએ સંગઠનમાં નોંધણી કરવા ધસારો કર્યો હતો. જો કે હાલ હિન્દુ યુવા વાહિનીમાં નવા સભ્યોની નોંધણી પર રોક હોવાથી અહીં નવા સભ્યોની નોંધણી નથી કરવામાં આવી રહી. યુવા વાહિનીની ગુજરાતની વેબસાઈટ પર સભ્ય તરીકે નોંધાવાની બે લાખથી અરજીઓ પેન્ડિંગ છે અને કાર્યાલય પર રોજના દસથી પંદર લોકો સભ્યપદની પૂછપરછ માટે આવતા રહે છે. 

હાલ યુવા વાહિનીમાં નવા સભ્યોની નોંધણી પર રોક છે. સંગઠનનો રાજકીય લાભ કોઈ ખાટી ન જાય તે માટે આ સભ્યોનું બેકગ્રાઉન્ડ ચેક કરી તેમની નોધણી કરવામાં આવશે. તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદમાં આવા આકરા નિયમો હાલ નથી. જરૃરી સભ્ય ફી ભરી કોઈપણ વ્યક્તિ વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાઈ શકે છે. આ પરિસ્થિતિ ઇશારો કરે છે કે હિન્દુ યુવા વાહિની જે ક્ષતિઓ વિશ્વ હિન્દુ પરિષદની કામગીરીમાં રહી છે તેનું પુનરાવર્તન કરવા નથી માગતી.  

હિન્દુ યુવા વાહિનીના ગુજરાત પ્રાંતના મહામંત્રી જયપ્રકાશ મહારાજનું કહેવું છે કે અમારું, વિહિપનું અને સંઘના લક્ષ્ય એક છે હિન્દુ યુવા વાહિની વૈચારિક અને વ્યક્તિગત મતભેદ બાકી અમારું લક્ષ્ય એક જ છે પરંતુ અમારા કામ કરવાની રીત અલગ છે. વિહિપથી અમારું કામ અલગ એ રીતે છે કે અમે કોઈ રાજકીય પક્ષ ક વ્યક્તિ સાથે જોડાયેલા નથી. ગુજરાતના સંગઠનમાં કોંગ્રેસના પણ ઘણાં લોકો છે જે રાજકીય રીતે કોઈ બીજા વ્યક્તિને સપોર્ટ કરે છે પરંતુ હિન્દુત્વ માટે અમારી સાથે છે. ઉત્તરપ્રદેશમાં હિન્દુ યુવા વાહિની અને ભાજપ વચ્ચે જે સંઘર્ષ થયો હશે તે વ્યક્તિગત કે વૈચારિક મતભેદના બનાવો હશે.

સામાન્ય યુવાનો હિન્દુ યુવા વાહિની, વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળ જેવા સંગઠનોમાં જોડાવાનું પસંદ નથી કરતા કારણ કે ઘણીવાર તોડફોડ અને ભાંગફોડિયા પ્રવૃત્તિમાં આ સંગઠનોના કાર્યકર્તાઓના નામ આવતા હોય છે. ગોધર કાંડ બાદના તોફાનોમાં હિંસાના આરોપ બજરંગ દળના ઘણાં કાર્યકરો પર લાગ્યા હતા અને તેઓ જેલહવાલે થયા હતા. ત્યારે કાનૂની લડતમાં આ સંગઠનો આગળ નહોતા આવ્યા ઉપરાંત ઘણાં કિસ્સાઓમાં સંગઠન તેના કાર્યકર્તાની ઓળખ કરવાની ના કહે તેવા બનાવો પણ બને છે. વેલેન્ટાઇન ડે જેવા તહેવારો વિરોધ તેમજ પાશ્ચાત્ય સંસ્કૃતિના વિરોધના નામે આ સંગઠનોની પ્રવૃત્તિ જોઈ સામાન્ય યુવાનો આવા સંગઠનોમાં સામેલ થવાનું ટાળે છે. 

યોગી આદિત્યનાથ ગોરખપુરના મઠાધ્યક્ષ અને સાંસદ હતા ત્યારે ૨૦૦૨માં આ સંગઠનની શરૃઆત કરી હતી. ૨૦૦૫માં ઘરવાપસી અને બાદમાં લવ જિહાદના મુદ્દાઓ આ સંગઠનના મુખ્ય એજન્ડાઓ રહ્યા છે. કોમવાદી અને ઘર્મની બાબતોએ વિવાદાસ્પદ અને  ધિક્કારભર્યા ભાષણઓ એ આ સંગઠનના નેતાઓની સામાન્ય ઓળખ બની રહ્યા છે. યોગીના મુખ્યપ્રધાન બનવાની સફર સુધી આ સંગઠન માત્ર પૂર્વ ઉત્તરપ્રદેશ પૂરતું જ સીમિત રહ્યું હતું પરંતુ હવે સમગ્ર ઉત્તર પ્રદેશ ઉપરાંત ગુજરાતમાં તેની પકડ મજબૂત બની રહી છે.

(5:48 pm IST)
  • રાજસ્થાનની ચૂંટણી જીતવા કોંગ્રેસે બુથ મેનેજમેન્ટનો મોટો પ્લાન બનાવ્યોઃ લોકસભાની ચૂંટણી સમયે પણ ઉપયોગ કરવા સંભવ : 'શકિત' નામના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષના કાર્યકર્તાઓ અને મતદારોના આંકડા મેળવાશે access_time 10:38 am IST

  • અરૂણાચલ પ્રદેશના તોતિંગમાં ભારતીય વાયુસેનાનું ગ્લોબમાસ્ટર સી-17 વિમાને ઐતિહાસીક લેન્ડિંગ કર્યું. આ વિસ્તાર ચીનની સરહદની નજીક છે. અમેરિકા નિર્મિત આ વિમાનનું ઉંચાઇવાળા વિસ્તારમાં કરવામાં આવેલું લેન્ડિંગ ભારતીય વાયુસેનાના સરહદી વિસ્તારમાં એક મજબૂત ડગ સમાન જોવામાં આવી રહ્યું છે. access_time 12:59 am IST

  • એક સાથે અધધ ૧૧ લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા છોડવા પાછળનું કારણ શું?... યોગી સરકાર દ્વારા તપાસ વેગવંતી :ઉત્તરપ્રદેશમાં ૫૦ ટકાથી વધારે છાત્રોએ પરિક્ષા આપવાનું માંડી વાળ્યુ એ શાળાઓની યાદી તૈયાર કરી ગાળીયો કસાશે, કેટલી જગ્યાએ બોર્ડની પરિક્ષા માટે ગેરકાયદે રજીસ્ટ્રેશન થયા છે? બાબત ઉપરથી ઉંચકાશે પરદોઃ કોપી મૂલ્યાંકનમાં દાંડાઇ કરનારા શિક્ષકો સામે પણ ભરાશે પગલાઃ ૧૭મીથી શરૂ થઇ રહેલા મૂલ્યાંકન દરમિયાન પરિક્ષાર્થીઓને મોબાઇલ લઇ જવા ઉપર મુકાશે પ્રતિબંધ, કેન્દ્રના મુખ્ય દરવાજા જ બંધ કરી દેવાશેઃમૂલ્યાંકનની કામગીરી સાથે જોડાયેલા શિક્ષકોને નિધારીત સમયે ફરજ ઉપર હાજર થવા ફરમાન access_time 4:55 pm IST