Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

તેજી અકબંધ : સેંસેક્સમાં વધુ ૧૨૦ પોઇન્ટ સુધી સુધાર થયો

નિફ્ટી ૪૬ પોઇન્ટ ઉછળીને ૧૦૪૬૮ની સપાટીએ : શેરબજારમાં અવિરત તેજીના કારણે ફરી એકવાર આશા

મુંબઇ,તા. ૧૩ : શેરબજારમાં આજે તેજીનો દોર જારી રહ્યો હતો. કારોબારની શરૂઆત થતાની સાથે સેંસેક્સ ૧૨૦ પોઇન્ટ સુધરીને ૩૪૦૩૮ની સપાટી પર પહોંચ્યો હતો. સેંસેકસે ફરી એકવાર ૩૪૦૦૦ની સપાટી મેળવી લીધી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે નિફ્ટી ૧૦૪૬૮ની ઉંચી સપાટી પર હતો.ગઇકાલે સોમવારના દિવસે રિટેલ ફુગાવો અથવા તો કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવો ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે. રિટેલ ફુગાવો ૪.૪૦ ટકાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. મોંઘવારીમાં ઘટાડો થતાં મધ્યવર્ગને પણ રાહત થઇ છે. ફેબ્રુઆરી મહિનામાં ૪.૪૦ ટકાનો ફુગાવો નોંધાયો છે. આજે શેરબજારમાં કારોબાર પૂર્ણ થયા બાદ રિટેલ ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. આંકડા દર્શાવે છે કે, નવેમ્બર ૨૦૧૭માં રિટેલ ફુગાવો ૪.૮૮ ટકા હતો ત્યારબાદથી આ સૌથી નીચી સપાટી છે. હવે  ફેબ્રુઆરી ૨૦૧૮ માટે ડબલ્યુપીઆઈનો આંકડો બુધવારના દિવસે જારી કરવામાં આવનાર છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં ૨.૮૪ ટકાની છ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો.ડબલ્યુપીઆઈ ફુગાવો ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવ નીચા રહેવાથી ૨.૮૪ ટકા રહ્યો હતો જે છ મહિનાની નીચી સપાટી છે. કોલકાતા સ્થિત બંધન બેંક દ્વારા પણ ૪૪૭૩ કરોડ રૂપિયા ઉભા કરવાના હેતુસર ઇશ્યુ લોંચ કરવામાં આવનાર છે. બંધન બેંક દ્વારા પ્રતિ ઇક્વિટી શેર ૩૭૦થી ૩૭૫ રૂપિયાની પ્રાઇઝ બેંડ નક્કી કરવામાં આવી છે. ફેસ વેલ્યુ ૧૦ રૂપિયા રહેશે. ૧૧.૯૨ કરોડ શેરનું કુલ કદ રહેનાર છે. આ ઉપરાંત સરકારી હિન્દુસ્તાન એરોનોટિક્સનો ૪૨૦૦ કરોડ  રૂપિયાનો આઈપીઓ ૧૬મી માર્ચના દિવસે ખુલ્યા બાદ ૨૦મી માર્ચના દિવસે બંધ થશે. અન્ય કંપની કાર્ડા કન્સ્ટ્રક્શન દ્વારા ૧૬મી માર્ચના દિવસે આઈપીઓ લાવનાર છે. આ કંપની ૭૭.૪૦કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. આનો મતલબ એ થયો કે, આ સપ્તાહમાં એક પછી એક આઈપીઓ બજારમાં આવનાર છે જેથી કારોબારીઓની નજર નવા આઈપીઓમાં નાણા રોકવા ઉપર કેન્દ્રિત રહેશે. હાલમાં જારી કરાયેલા આંકડામાં વર્ષ ૨૦૧૭-૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૬.૫ ટકા રહ્યો હતો. આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને અન્ય વૈશ્વિક કારણોસર દેશનો જીડીપી ગ્રોથ રેટ ઓછો રહેવાનો અંદાજ હતો. જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં ૬.૩ ટકા સુધી રહ્યો હતો. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામા તેમાં ઉછાળો નોંધાયો હતો. તે પહેલા ૭.૫ ટકાનો આંકડો રહ્યો હતો. સાતમી ફેબ્રુઆરીના દિવસે દેશની સર્વોચ્ચ બેંક આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસસીઆઈના એશિયા પેસિફિક શેર ઇન્ડેક્સમાં તેજી રહી હતી. જાપાનના કારોબારમાં ઉછાળો નોંધાયો હતો. જાપાનના નિક્કીમાં ૧.૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકામાં જોબડેટા મુજબ ગયા મહિને ૩૧૩૦૦૦ નવી નોકરીઓ આપવામાં આવી છે. આમા ૨.૬ ટકાનો વધારો થયોછે  સોમવારે બીએસઈ સેંસેક્સ ૬૧૧ પોઇન્ટ ઉછળીને ૩૩૯૧૮ની સપાટીે પહોંચી ગયો હતો. નિફ્ટી ૧૯૫ પોઇન્ટ ઉછળીને ૧૦૪૨૧ની સપાટીએ રહ્યો હતો..

(1:08 pm IST)