Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનિએને સંડોવતા મેચ ફિક્સીંગના મામલામાં મુખ્ય આરોપી અને સટ્ટાબાજ સંજીવ ચાવલા ૧૨ દિવસની પોલીસ કસ્ટડીમાં

નવી દિલ્હીઃ દિલ્હીની એક કોર્ટે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનિએની સંડોવળી વાળા મેચ ફિક્સિંગના મામલાના એક મુખ્ય આરોપી અને કથિત સટ્ટાબાજ સંજીવ ચાવલાને ગુરૂવારે 12 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.

એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સુધીર કુમાર સિરોહીએ ચાવલાને 12 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. પોલીસે કોર્ટ પાસે 14 દિવસની કસ્ટડીની માગ કરી હતી.

પોલીસે કોર્ટને જણાવ્યું કે, ગુરૂવારે લંડનથી પ્રત્યર્પિત કરીને લાવવામાં આવેલા ચાવલાને મોટા ષડયંત્રની માહિતી માટે વિભિન્ન સ્થાનો પર લઈ જવામાં આવશે અને ઘણા લોકો સાથે આમનો-સામનો કરાવવામાં આવશે. પોલીસે કોર્ટને જણાવ્યું કે, ક્રોનિએ પણ તેમાં સામેલ છે. ક્રોનિએનું 2002ના વિમાન દુર્ઘટનામાં મોત થઈ ગયું હતું.

પોલીસે કોર્ટને જણાવ્યું કે, ચાવલા પાંચ મેચોની ફિક્સિંગમાં સામેલ છે. ચાવલા પર ફેબ્રુઆરી-માર્ચ 2000માં દક્ષિણ આફ્રિકા ટીમના ભારત પ્રવાસ પર મેચ ફિક્સિંગ માટે ક્રોનિએની સાથે મળીને ષડયંત્ર રચવાનો આરોપ છે. બ્રિટિશ કોર્ટના દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં જન્મેલ ઉદ્યોગપતિ ચાવલા 1996માં વ્યાપાર વીઝા પર બ્રિટન ચાલ્યો ગયો હતો પરંતુ તે ભારતની યાત્રા કરતો રહેતો હતો.

(4:53 pm IST)