Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

મોદી સરકારની મોટી ભેટઃ એલપીજી ગેસ સિલિન્ડર પરની સબસિડી બમણી કરાઈ

ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા બાદ હવે સબસિડી વધારાતા ગ્રાહકો પર માત્ર રૂ. ૭નો બોજ પડશે

નવી દિલ્હી, તા. ૧૪ :. કેન્દ્રની મોદી સરકારે ઘરેલુ ગેસના ગ્રાહકોને એક મોટી રાહત આપી છે. મોદી સરકારે ઘરેલુ રાંધણ ગેસ (એલપીજી) સિલિન્ડર પર આપવામાં આવતી સબસિડી લગભગ બમણી કરી દીધી છે. તેનાથી ગ્રાહકો પર ગઈ કાલે જ સિલિન્ડરના ભાવમાં કરવામાં આવેલા વધારાની ઓછી અસર પડશે. આ દરમિયાન સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધારવા અંગેના કારણો પણ દર્શાવ્યા છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયુ છે કે સરકારે ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી લગભગ બમણી કરી દીધી છે. આ નિવેદનમાં જણાવ્યુ છે કે પાટનગર દિલ્હીમાં અત્યાર સુધી પ્રતિ સિલિન્ડર અત્યાર સુધી રૂ. ૧૫૩.૮૬ની સબસિડી મળતી હતી. જે વધારીને હવે રૂ. ૨૯૧.૪૮ કરવામાં આવી છે. આ જ રીતે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ફાળવાયેલા ગેસ કનેકશન પર અત્યાર સુધી સબસિડી પ્રતિ સિલિન્ડર રૂ. ૧૭૪.૮૬ મળતી હતી તે વધારીને હવે પ્રતિ સિલિન્ડર રૂ. ૩૧૨.૪૮ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘરેલુ એલપીજી ગ્રાહકોને એક વર્ષમાં ૧૨ સિલિન્ડર પર સબસિડી મળે છે. તેનાથી વધુ ગેસ સિલિન્ડર ખરીદવા પર બજાર ભાવે પેમેન્ટ કરવુ પડે છે. કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી બમણી કરવાથી ગ્રાહકોને મોટો ફાયદો થશે. ઓઈલ કંપનીઓ દ્વારા પ્રતિ સિલિન્ડર રૂ. ૧૪૪.૫૦નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે તેના પરની સબસિડીમાં રૂ. ૧૩૭.૬૨નો વધારો કરાતા હવે ગ્રાહકો પર પ્રતિ સિલિન્ડર માત્ર રૂ. ૬.૮૮નો જ બોજ પડશે, જો કે ગ્રાહકોએ ગેસ સિલિન્ડર ખરીદવા અગાઉ કરતા વધુ પૈસા ચૂકવવા પડશે એ હકીકત છે.

(4:01 pm IST)