Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

પૂર્વ ચીફ જસ્‍ટીસ રંજન ગોગોઈને ગુજરાતની મુલાકાત ફળશે ? કોઈ કંપનીના લીગલ એડવાઈઝર કે માનવ અધિકાર પંચના અધ્‍યક્ષ તરીકે નિમણૂક થવાની શકયતા

અમદાવાદમાં દિગ્‍ગજ કોર્પોરેટ જુથના માંધાતા સાથે લંચ ટાઈમ બેઠક પણ ભારે ચર્ચામાં

નવી દિલ્‍હી, તા. ૧૪ :. દેશના ભૂતપૂર્વ મુખ્‍ય ન્‍યાયધીશ રંજન ગોગોઈ કે જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક ઐતિહાસિક ફેંસલાઓ સંભળાવ્‍યા છે તેઓની તાજેતરની ગુજરાતની મુલાકાત પણ ‘ઐતિહાસિક' બની રહે તેવી શકયતા છે.

અહીંના રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ પૂર્વ ચીફ જસ્‍ટીસ રંજન ગોગોઈની તાજેતરની ગુજરાતની મુલાકાત તેમને આગામી દિવસોમાં ફળે તેવી શકયતા છે. વર્તુળોમાં ચર્ચાતી વિગતો અનુસાર રંજન ગોગોઈને આગામી દિવસોમાં કાં તો રાષ્‍ટ્રીય માનવ અધિકાર પંચ એટલે કે એનએચઆરસીના અધ્‍યક્ષ બનાવવામાં આવે અથવા તો કોઈ મોટી કંપનીના લીગલ એડવાઈઝર તરીકે નિમણૂક થાય તેવી પણ શકયતા છે.

રાજકીય વર્તુળોમાં ચર્ચાય રહ્યુ છે કે તેઓ ગુજરાત ફકત ધાર્મિક અથવા તો પ્રવાસના કાર્ય માટે જ નહોતા ગયા તેમની આ મુલાકાત પાછળનો બીજો પણ એક હેતુ હતો એવુ કહેવાય છે કે તેઓ પોતાની ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદમાં કોઈ કોર્પોરેટ જુથના માંધાતા સાથે બપોરના ખાણા સમયે મળ્‍યા હતા. આ મુલાકાતે પણ જબરી ચર્ચા જગાવી છે.

એવુ કહેવાય છે કે જો તેમની કોઈ કંપનીના લીગલ એડવાઈઝર તરીકે નિમણૂક થશે તો તે દેશની પહેલી ઘટના હશે અને તે ઐતિહાસિક પણ હશે. માનવ અધિકાર પંચના અધ્‍યક્ષ તરીકે પણ તેમનુ નામ સંભળાય રહ્યુ છે.

દેશના પૂર્વ મુખ્‍ય ન્‍યાયધીશ રંજન ગોગોઈ આગામી દિવસોમાં તેમની નવી નિમણૂકોને લઈને ભારે ચર્ચામાં રહે તેવી શકયતા છે.

(3:47 pm IST)