Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને શપથ વિધિમાં પધારવા નિમંત્રણ પાઠવ્‍યું

૧૬મીએ દિલ્‍હીના રામલીલા મેદાનમાં કેજરીવાલ સીએમ પદના શપથગ્રહણ કરશે

નવી દિલ્‍હી, તા.૧૪: દિલ્‍હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ ૧૬ ફેબ્રુઆરીના આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાનમાં મુખ્‍યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. હવે શપથ ગ્રહણ સમારંભમાં કોને-કોને આમંત્રણ અપાશે તેના પર સૌની નજર છે. શું કેજરીવાલ પીએમ નરેન્‍દ્ર મોદીને શપથવિધિમાં હાજર રહેવા આમંત્રણ આપશે કે નહીં તેની અટકળોનો અંત આવી ગયો છે. કેજરીવાલની શપથવિધિ માટે વડાપ્રધાન મોદીને આમંત્રિત કરવામાં આવ્‍યા છે. 

આમ આદમી પાર્ટીને દિલ્‍હી વિધાનસભા ચૂંટણીમાં સતત બીજી ટર્મમાં ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ છે. આ વખતે આપનો ૬૨ બેઠક પર વિજય થયો છે જયારે ભાજપને ફક્‍ત આઠ બેઠકો જ મળી છે અને કોંગ્રેસને ૨૦૧૫ની જેમ શૂન્‍ય બેઠક મળી છે. વડાપ્રધાન મોદીએ દિલ્‍હી ચૂંટણી પરિણામ બાદ કેજરીવાલને જીત બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. પીએમ મોદીએ જણાવ્‍યું હતું કે, હું આશા કરું છું કે અરવિંદ કેજરીવાલ દિલ્‍હીવાસીઓની અપેક્ષાઓને પૂર્ણ કરશે. 

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ટ્‍વીટ કરીને અભિનંદન આપ્‍યા બાદ કેજરીવાલે પણ તેમનો આભાર માન્‍યો હતો. કેજરીવાલે કેન્‍દ્ર સાથે મળીને કામ કરવા માટે ઈચ્‍છા વ્‍યક્‍ત કરી હતી.

આમ આદમી પાર્ટીની જીત બાદ એક વર્ષના બાળકની તસવીર ખૂબ જ લાઈમલાઈટમાં આવી ગઈ હતી. જેને કેટલાક લોકોએ છોટે કેજરીવાલ અને બેબી મફલરમેન પણ ગણાવ્‍યો હતો. ગળામાં મફલર, માથે ટોપી, ચશ્‍મા, મૂછો અને લાલ સ્‍વેટર પહેરેલો બાળક સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાઈ ગયો. હવે આમ આદમી પાર્ટીએ ટ્‍વિટર મારફતે બાળકને કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્‍યું છે.

 

(3:45 pm IST)