Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

એપ્રિલથી ડિસે. ૨૦૧૯માં ૧૮ સરકારી બેંકોમાં કુલ ૧.૧૭ લાખ કરોડની છેતરપિંડી

RTIમાં ખુલાસોઃ સ્ટેટ બેંકને વધુ નુકશાન

નવી દિલ્હી, તા.૧૪: ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ત્રણ કવાર્ટર(એપ્રિલથી ડિસેમ્બર)માં ૧૮ સરકારી બેંકોમાં છેતરપિંડીના ૮૯૨૬ કેસો નોંધાયા હતાં. જેમાં કુલ ૧.૧૭ લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી તેમ આરટીઆઇ હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્રના જવાબમાં આ માહિતી આપવામાં આવી છે.

આરટીઆઇ હેઠળ મળેલી માહિતી અનુસાર દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(એસબીઆઇ)માં સૌથી વધુ છેતરપિંડીના કેસો નોંધાયા છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ પૂરા થતાં ૯ મહિનાના સમયમાં એસબીઆઇમાં છેતરપિંડીના ૪૭૬૯ કેસો નોંધવામાં આવ્યા હતાં. જેમાં કુલ ૩૦,૩૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ હતી. જે ૧૮ સરકારી બેંકોમાં થયેલી કુલ ૧.૧૭ લાખ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૨૬ ટકા છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૯ મહિનામાં પંજાબ નેશનલ બેંકમાં છેતરપિંડીના ૨૯૪ કેસો નોંધવામાં આવ્યા હતાં. જેમાં કુલ ૧૪,૯૨૮.૬૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ જ સમયગાળા દરમિયાન બેંક ઓફ બરોડામાં છેતરપિંડીના ૨૫૦ કેસો નોંધવામાં આવ્યા હતાં. જેમાં કુલ ૧૧,૧૬૬ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.

અલ્લાહાબાદ બેંકમાં ૮૬૦ કેસોમાં ૬૭૮૧ કરોડ રૂપિયા, બેંક ઓફ ઇન્ડિયામાં ૧૬૧ કેસોમાં ૬૬૨૬ કરોડ રૂપિયા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ૨૯૨ કેસોમાં ૫૬૦૪ કરોડ રૂપિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં ૧૫૧ કેસોમાં ૫૫૫૬ કરોડ રૂપિયા, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સમાં ૨૮૨ કેસોમાં ૪૮૯૯ કરોડ રૂપિયા છેતરપિંડી કરવામાં આવી હતી.

આ ઉપરાંત કેનેરા બેંક, યુકો બેંક, સિંડીકેટ બેંક, કોર્પોરેશન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, આંધ્ર બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક તથા પંજાબ એન્ડ સિંધ બેંકમાં કુલ ૧૮૬૭ કેસોમાં કુલ ૩૧,૬૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

(10:00 am IST)