Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

મોબાઈલ ઉપર વાત કરવાનું વધુ મોંઘુ થવાની શકયતા

મોબાઈલ કંપનીઓ એજીઆર ચુકવણીનો બોજો પોતાના ગ્રાહકો ઉપર ઝીંકશેઃ જેના કારણે કોલના દરો વધશેઃ રીચાર્જના દરમાં ૨૫ ટકા સુધીનો વધારો થઈ શકે છે : ટેલીકોમ કંપનીઓએ ૧.૪૭ લાખ કરોડ એજીઆર પેટે આપવાના છેઃ સરકાર ટૂંક સમયમાં પત્ર લખી ઉઘરાણુ કરશેઃ કંપનીઓ ઉપર વધશે પ્રેશર

નવી દિલ્હી, તા. ૧૪ :. મોબાઈલ ફોન પર વાત કરવાનું ટૂંક સમયમાં વધુ મોંઘુ બની શકે છે. મોબાઈલ કોલ દરમાં ૨૦ થી ૨૫ ટકાનો સુધીનો વધારો થઈ શકે છે. આવુ ટેલીકોમ કંપનીઓ પાસેથી એજીઆર વસુલ પ્રક્રિયા શરૂ થાય કે તરત જ થઈ શકે છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે કંપનીઓ પોતાના પરનો બોજો ગ્રાહકો પર ઝીંકી દેશે. જેનાથી કોલ દરમાં ફરી એક વખત વધારો થશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેલીકોમ વિભાગ એરટેલ, વોડા-આઈડીયા સહિત તમામ એજીઆર પેન્ડીંગ રાખનારી કંપનીઓ પાસેથી વસુલાતની તૈયારી કરી રહ્યો છે. ટૂંક સમયમાં જ આ કંપનીઓને એજીઆર ચૂકવવા માટે પત્ર પણ લખવામાં આવશે. અત્રે એ નોંધનીય છે કે સુપ્રિમ કોર્ટે ટેલીકોમ કંપનીઓને ૨૪ જાન્યુઆરી સુધીમાં ૧.૪૭ લાખ કરોડ રૂપિયાની એજીઆર ચૂકવવાનો આદેશ આપ્યો હતો તે પછી કંપનીઓએ કોર્ટ પાસે મહેતલ માંગી હતી.

નિષ્ણાંતોનું કહેવુ છે કે એજીઆરનું ચૂકવણુ કરવા માટે મોબાઈલ કંપનીઓ રીચાર્જના દરમાં ૨૫ ટકા સુધીનો વધારો કરી શકે છે. જે બે મહિનાની અંદર બીજો વધારો હશે. ૧ લી ડીસેમ્બર ૨૦૧૯થી મોબાઈલ કંપનીઓએ બીલમાં ૫૦ ટકા સુધીનો વધારો કર્યો હતો. સાથોસાથ અનેક પ્રકારની છૂટ પણ સમાપ્ત કરી હતી. જો કંપનીઓ બીલમાં ૨૦ ટકાનો વધારો કરે તો આનાથી તેઓને આવતા ૩ વર્ષમાં ૭૦ હજાર કરોડ રૂપિયાની આવક થઈ શકે છે.

એજીઆર વસુલવાની પ્રક્રિયા શરૂ થવાથી ટેલીકોમ કંપની પર પ્રેશર આવશે. તેઓની નાણાકીય સ્થિતિ વધુ નાજુક થઈ શકે છે. તે જોતા કંપનીઓએ એજીઆરનું ચુકવણુ કરવા માટે બે વર્ષ રાહ જોવા અને ૧૦ વર્ષનો સમય આપવા માંગ કરી હતી જો કે આની સંભાવના ઓછી છે.

એરટેલે ૨૧૬૮૨ કરોડ, વોડાફોને ૧૯૮૨૩.૭૧ કરોડ, બીએસએનએલ ૨૦૯૮.૭૨ કરોડ, એમટીએનએલ ૨૫૩૭.૪૮ કરોડ, આરકોમ ૧૬૪૫૬ કરોડ ચુકવવાના બાકી છે.

(9:59 am IST)