Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

પવિત્ર પ્રેમને બદનામ કરે છે - પ્રેમના નામે 'છાનગપતીયા' કરનારા

કોઇ કહે- પ્રેમ એટલે ઇશ્વર, ખુદા... કોઇ કહે લવ ઇઝ ગોડ...પ્રેમને વ્યકત કરવા સાચ્ચા પ્રેમીઓ કોઇ ખાસ દિવસની રાહ જોતાં નથી, પરંતુ બદલાયેલા સમયમાં પ્રેમની વ્યાખ્યા પણ બદલી ગઇ!

. 'વેલેન્ટાઇન ડે' એટલે કે પ્રેમનું પર્વ. દૂનિયા આખી ૧૪મી ફેબ્રુઆરીની ઉજવણી કરે છે. આપણો ભારત દેશ અને દેશના શહેરો તેમજ ગામડાઓ પણ હવે તેમાંથી બાકાત નથી રહ્યા. અઢી અક્ષરના પ્રેમની લોકો પોત પોતાની રીતે વ્યાખ્યા કરે છે. કોઇ કહે છે- 'પ્રેમ એટલે ઇશ્વર, ખુદા' તો કોઇ કહે 'લવ ઇઝ ગોડ'. કોઇ પ્રત્યેની લાગણી કે પ્રેમ વ્યકત કરવા માટે આમ તો કોઇ ખાસ દિવસની જરૂરિયાત હોતી નથી. પણ પ્રવર્તમાન યુગમાં વાયરો એવો વહી રહ્યો છે કે પ્રેમના નામે 'છાનગપતીયા' અને 'મજો-મજો' કરનારા વધી ગયા છે. આવા વાતાવરણ વચ્ચે ૧૪મી ફેબ્રુઆરીને એવા દિવસ તરીકે સ્વીકારાયો છે કે એ દિવસે જે તે વ્યકિત પોતાના પ્રિય પાત્રને પુછી શકે છે કે, 'બી માય વેલેન્ટાઇન?' આવું પુછવા માટે પણ હિમ્મત હોવી જરૂરી છે અને સામેની વ્યકિતનો રિસ્પોન્સ જાણવો પણ અગત્યનો છે, અન્યથા પરિણામ ન વિચાર્યુ હોય એવું પણ આવી જાય. પરંતુ આજના યુગમાં ખાસ કરીને યંગસ્ટર્સ કે જે ખરેખર પ્રેમ અથવા ફ્રેન્ડશીપ કરવા ઇચ્છે છે તે પરિણામની પરવા કરતાં નથી, આવું કરવા જતાં કયારેક વાંસા કાબરા થઇ જવામાં વાર નથી લાગતી અને કયારેક અશ્લીલ શબ્દો સાંભળવાની પણ તૈયારી રાખવી પડે છે.

રાજકોટ શહેરની વાત કરીએ તો સંસ્કૃતિના રક્ષક ગણાતા આ શહેરમાં  વેલેન્ટાઇન ડે સહિતના પર્વોની ઉજવણી સામે વિરોધની આંધી ઉઠતી રહેતી હતી. આવા પર્વની તરફેણ કરનારાઓને સહન કરવાની તૈયારી રાખવી પડતી હતી. સંસ્કૃતિના જતનની જવાબદારી લઇને ફરનારા લોકોથી ઉજવણી કરનારા અને કરાવનારાઓને ડરવું પડતું હતું. કેટલાકના મોઢા કાળી મેશથી રંગી નાંખવામાં આવતાં હતાં, તો કયાંક વિરોધીઓ દ્વારા વેલેન્ટાઇન ડેને લગતી ગિફટસ-કાર્ડસના સ્ટોલ, શોપ ઉપર દેખાવો કરવામાં આવતાં હતાં. પણ આજે સમય બદલાયો છે, સાથો સાથ શહેરના લોકો પણ બદલાયા છે. હવે કદાચ આ પર્વને આડકતરી રીતે સ્વીકારી લીધુ છે અથવા તો વિરોધીઓએ શાંતિ રાખવાનું નક્કી કરી લીધું છે. આમ પણ પ્રેમના પર્વની શાંતિથી ઉજવણી થાય તે પ્રજાના અને શહેરના હિતમાં જ છે.

વાત પ્રેમની જ છે એટલે એ કહેવું જરૂરી છે કે સાચ્ચા પ્રેમીઓ કદી પણ  પોતાના હ્ય્દયની વાત પોતાના પ્રિયતમ કે પ્રિયતમાને કહેવા માટે કોઇપણ એક દિવસના મોહતાજ નથી હોતા. એમને મન તો રોજે રોજ 'વેલેન્ટાઇન ડે' હોય છે. પરંતુ સદંતર બદલાઇ ગયેલા સમયમાં આજે પ્રેમના રૂપકડા ઓઠા તળે ખરો પ્રેમ શોધવાને બદલે હવસની યાચના વધી ગઇ છે. મોટા ભાગના  કહેવાતા પ્રેમીઓએ પ્રેમ શબ્દને, તેની પવિત્રતાને બદનામ કરી નાંખ્યા છે. પ્રેમના નામે કેટલાક બાબુડીયાઓ દ્વારા જે રીતે યુવતિઓને માયાજાળમાં ફસાવી ચોક્કસ હિત સંતોષવામાં આવે છે તે જાણીને, જોઇને ખરા અર્થમાં સાસ્વત પ્રેમ કરનારાઓના જીવ બળીને રાખ થઇ જાય છે. પણ તાલી કયારેય એક હાથે પડતી હોતી નથી. માત્ર યુવકો જ પ્રેમની આડમાં ન કરવાનું કરે છે એવું નથી, પોતાને મોડર્ન યુગની મલ્લીકા સમજતી કેટલીક યુવતિઓ પણ પ્રેમ શબ્દને બદનામ કરવામાં એટલી જ જવાબદાર હોય શકે છે. તેના દાખલાઓ સમયાંતરે સમાજની સામે આવતા રહ્યા છે અને આવતા રહેશે. આજે સ્વચ્છંદી જીવન જીવવાનું પસંદ કરતી કેટલીક છોકરીઓ માટે પ્રેમ એ 'લવ, સેકસ અને ધોખા'થી વિશેષ કંઇ જ નથી. પોતાની આર્થિક અને 'અન્ય' જરૂરિયાત સંતોષવા માટે જ પ્રેમીનો ઉપયોગ કરનારી માનુનીઓ હવે રાજકોટમાં જ નહિ દરેકે-દરેક શહેરમાં જોવા મળી રહી છે. આવી માનુનીઓના અંજામ પણ ઘણી વખત અતિ કરૂણ આવતાં હોય છે. આવું થવા પાછળ જે તે છોકરા કે છોકરી જ નહિ પણ તેમના પેરેન્ટસને પણ એટલા જ જવાબદાર ગણી શકાય. સંતાનોને અપાતી તમામ પ્રકારની છૂટછાટ તેને અધઃપતન તરફ ધકેલી રહી છે. આ કડવું સત્ય હવે માવતરે સ્વીકારવું જ રહ્યું.

આનો અર્થ એ નથી કે સંતાનોને બંધનમાં રાખવા કે તેના પર જાસૂસ મુકી દેવા. સાચુ માર્ગદર્શન, સમજણ પણ સંતાનોને અવળા માર્ગે જતાં અટકાવી શકે છે. પ્રેમમાં પડવું અને પ્રેમ કરવો એ બેશક અવળો માર્ગ નથી જ. સાચ્ચો પ્રેમ કરવો એમાં પણ કંઇ ખોટુ નથી. પરંતુ પ્રેમના નામે ખેલાઇ રહેલા હવસ સંતોષવાના કે જે તે પાત્રને માત્ર તમામ રીતે ભોગવવાના ખેલને ચોક્કસપણે અવળો માર્ગ ગણી શકાય અને આમ કહેવામાં અતિશયોકિત પણ નહિ ગણાય. ખરેખર પ્રેમ કરનારાઓને આ બાબત ચોક્કસપણે સારી લાગશે અને જે લોકો પ્રેમની આડમાં માત્ર 'છાનગપતીયા' કે 'મજો-મજો' કરવામાં જ માને છે તે લોકો મોઢા મચકોડશે. આવા લોકોે કે જેનો મોટો વર્ગ દરેક સમાજમાં અસ્તિત્વ ધરાવે છે તેમને ખરા પ્રેમની વાતો કરનારા જરાપણ પસંદ નથી. કારણ કે એ લોકોને તો માત્ર પોતાનો સ્વાર્થ સાધવામાં જ રસ હોય છે, પછી એ સ્વાર્થને સાર્થક કરવામાં પ્રેમનો અંચળો ઓઢવો પડે અને પવિત્ર પ્રેમ બદનામ થાય તો પણ વાંધો હોતો નથી.

ગીફટ, ફૂલ, કાર્ડસવાળાને તડાકો...

રાજકોટમાં ઠેર-ઠેર  યુવા હૈયાઓએ એકબીજાને વેલેન્ટાઇન ગિફટ, ફૂલ, કાર્ડસની આપ-લે કરી.

--------

અમદાવાદમાં રિવર ફ્રન્ટ પર પ્રેમી પંખીડાઓને દળના યુવાનોએ તગેડ્યા

વેલેન્ટાઇનનું બજાર કરોડોનું

સપ્તાહભર ચાલનારા વેલેન્ટાઇન ડેનું બજાર ૧૨૦૦૦ કરોડનું છે : પ્રેમી-પ્રેમિકાઓ દ્વારા આ ખર્ચ કરાય છે : એસોચેમનો રીપોર્ટ : દુરસંચારથી લઇને રેસ્ટોરન્ટ અને ગીફટ આર્ટીકલ્સ વાળાને તડાકો : વેલેન્ટાઇન સપ્તાહ ૭ ફેબ્રુ.ના રોઝ ડેથી શરૂ થાય છે, ૮મીએ પ્રપોઝ ડે, ૯મીએ ચોકલેટ ડે, ૧૦મીએ ટેડી ડે, ૧૧મીએ પ્રોમીસ ડે, ૧૨મીએ હગ ડે, ૧૩મીએ કિસ ડે અને ૧૪મીએ વેલેન્ટાઇન ડે મનાવાય છે : અર્થ તંત્ર સુધરતા ગયા વર્ષ કરતા ૧૨૦ ટકા વધુ ખર્ચ કરતા યુવક-યુવતીઓ

જાણો - પ્રેમ વિશેના વિરલ વિભૂતિઓના વિચારો

   પ્રેમ કરવો અને શાણા રહેવું બંને એક સાથે અશકય છે.                                       - નિત્શે

   પ્રેમ એકબીજાને સોનેરી સાંકળથી બાંધે છે.

- ક્રિસ્ટલ

   પ્રેમ એ મનની મુકિત છે.            - ભગવાન બુધ્ધ

   પ્રેમ વિનાનું સમર્પણ લેનાર કે દેનાર કોઇને'ય શાંતિ આપતું નથી.                     - ડોંગરે મહારાજ

   પ્રેમ એટલે આચરણમાં મુકેલી શ્રધ્ધા, સેવા એટલે આચરણમાં મુકેલો પ્રેમ.              - મધર ટેરેસા

   પ્રેમ કરવાનો સરળ છે, પણ તેને નિભાવવો જ અઘરો છે. સાચા હ્ય્દયથી બંધાયેલો પ્રેમસંબંધ જ આ હકિકત સમજી શકે.          - રવિન્દ્રનાથ ટાગોર

   પ્રેમ ચાહે તેનો મુકાબલો કરી શકે છે, એની શ્રધ્ધા એની આશા, અને એની સહનશિલતાને કોઇ સીમા નથી.                                            - ધૂમકેતુ

   પ્રેમમાં મનુષ્ય પોતાને વધુને વધુ ભૂલતો જાય છે, કારણ કે એ વખતે તે પોતે કશું નથી હોતો ને પ્રેમ જ સર્વસ્વ હોય છે.            - સ્વામી વિવેકાનંદ

   પ્રેમ પતિતને પણ પાવન બનાવી શકે છે.  

   -સંત કબીર

   પ્રેમ સ્વર્ગનો સુંદર રાહ છે.               - ટોલ્સટોય

   પ્રેમ કરવો એ એક કલા છે, નિભાવવો એ સાધના.  

   -વિનોબા ભાવે

   પ્રેમ આત્માનો અદ્ભુત અને સ્વયંભુ ફુવારો છે.  

   -વર્ડઝવર્થ

   પ્રેમ અતિશય મંદ ફોરમ ફેલાવતું સુંદર ફુલ છે. 

   - કવિ કાલીદાસ

   પ્રેમ આંખોથી નહિ પણ હ્ય્દયથી જૂએ છે, તેથી જ પ્રેમના દેવને અંધ કહ્યા છે.           -શેકસપિયર

   પ્રેમ એક પ્રેરણા છે, પરંતુ શુધ્ધ પ્રેમ યોગ્ય રસ્તે કાર્ય કરી રહેલી પ્રેરણા છે.

-કિરીટન 

   પ્રેમ એ કોઇ સદ્ગુણ નથી, એ તો તમારે માટે અન્ન, હવા, પાણી અને પ્રકાશ જેટલી જ જરૂરી ચીજ છે.  

-સંત નિખીલ નેઇમી

   પ્રેમ ભૂત જેવો છે, જેના વિશે સોૈ વાતો કરે છે, પણ જેને કોઇએ જોયો નથી, એ તો માત્ર એક અનુભૂતિ છે.                           -સેનેકા

   પ્રેમ ચંદ્ર જેવો છે. વધતો ન જાય તો ઘટતો જાય છે. -સંગુર

   સ્ત્રી કાં પ્રેમ કરે કાં નફરત કરે એ બંનેની વચ્ચેના રસ્તાની એને જાણ નથી.

- સાઇરસ

   પ્રેમની સેવા સત્તાથી મેળવી શકાતી નથી અને પૈસા આપીને પણ ખરીદી શકાતી નથી. 

   -પ્રેસ્ટકોર્ટન

   પ્રેમ અને પરિશ્રમની સરિતાઓનો અદ્ભુત સંગમ એટલે જીવન. 

-સ્વેટ મોર્ડન

(4:47 pm IST)
  • દિલ્હીવાસીઓને કેજરીવાલની ભેટઃ ફ્રી વાઇ ફાઇ સેવાઓ શરૃ કરાશેઃ ૩ વર્ષ પહેલા ચૂંટણી વખતે આપેલું વચન પુરૂ કરાશે access_time 8:49 pm IST

  • પશ્ચિમ બંગાળમાં ૧૪ મુસ્લિમોએ હિન્દુ ધર્મ અપનાવ્યોઃ એક જ પરિવારના ૧૪ લોકોનું ધમાઁતર થતા મળવા ગયેલા પત્રકારો સાથે હિન્દુવાદી સંગઠન આયોજીત કાર્યક્રમમાં બબાલ access_time 8:48 pm IST

  • પાઘડીના શણગારથી ઝળહળી ઊઠ્યા શ્રી સોમનાથ મહાદેવ - કરો મહાદેવના પાઘડી દર્શન : મહાશિવરાત્રિ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભાવિકોનો અદ્ભૂત ધસારો જોવા મળ્યો છે. સોમનાથ મંદિરમાં મહાદેવને અનેક જાતના શણગાર કરવામાં આવ્યાં હતાં. જેમાં પાઘડીના શણગારથી મહાદેવની શોભામાં અભિવૃદ્ધિ થઇ હતી access_time 9:38 am IST