Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

લંડનમાં સારવાર લઇ રહેલા પાકિસ્‍તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની રેસ્ટોરન્ટમાં પરિવારના સભ્યો સાથેની તસવીર વાઇરલ થતા પાકિસ્‍તાનમાં મચ્યો હોબાળો

લંડન: પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N)ના નેતા અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સારવાર માટે લંડનમાં છે. પરંતુ લંડનની એક રેસ્ટોરન્ટમાં પરિવારના સભ્યો સાથે બેઠેલા નવાઝ શરીફની તસવીર વાઈરલ થવાથી મોટો હોબાળો મચી ગયો છે. નવાઝ શરીફ ભ્રષ્ટાચાર સંલગ્ન એક કેસમાં જેલમાં બંધ હતાં અને તબીયત ખુબ નાજુક થતા તેમને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી સારવાર માટે જામીન મળ્યા હતાં

લંડનની હોટલમાં નવાઝ શરીફની જે તસવીર વાઈરલ થઈ છે તેમાં તેઓ PML-Nના અધ્યક્ષ શાહબાજ શરીફ અને તેમના પુત્ર હમઝા સાથે બેઠેલા જોવા મળી રહ્યાં છે. પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ તસવીર પોતાના ટ્વીટર એકાઉન્ટથી અપલોડ કરી છે. તસવીર સામે આવ્યાં બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ઈમરાન ખાને કહ્યું કે ડોક્ટરોએ પોતાનો મત આપ્યો હતો કે જો તેમને સારવાર માટે તરત વિદેશ નહીં મોકલવામાં આવે તો ગમે તે ક્ષણે તેમનું મોત થઈ શકે છે. પરંતુ અચાનક તેઓ સારા જોવા મળી રહ્યાં છે

નવાઝ શરીફની તસવીર વાઈરલ થયા બાદ પ્રશાસને પૂર્વ વડાપ્રધાનના અંગત ફિઝિશિયન અદનાન ખાન પાસે તેમના સ્વાસ્થ્યને લઈને તાજો રિપોર્ટ માંગ્યો છે જેથી કરીને તેમને પાછા પાકિસ્તાન ભેગા કરવાનો નિર્ણય લેવાઈ શકે. જો કે નવાઝ શરીફની પાર્ટીએ પીટીઆઈના નેતાઓને અંગે રાજકારણ રમવાની શિખામણ આપી છે. નવાઝ શરીફની પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ઈમરાન સરકારે શરીફ ફોબિયામાંથી બહાર આવવું જોઈએ

(5:06 pm IST)