Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

સુપ્રીમ કૉર્ટ બાર એસોસિયેશન: સર્વોચ્ચ અદાલતની સંપૂર્ણ બૅન્ચ વિવાદને હાથ ધરે

બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ ન્યાયાધીશો સાથે ચર્ચા કરવા ટીમ રચી

નવી દિલ્હી: સુપ્રીમ કૉર્ટ બાર એસૉસિયેશન (એસસીબીએ)એ સર્વોચ્ચ અદાલતના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિના દેશના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સામેના દેખીતા બળવાને લીધે ઊભો થયેલો વિવાદ સર્વોચ્ચ અદાલતની સંપૂર્ણ બૅન્ચ દ્વારા હાથ ધરવાની માગણી કરતો ઠરાવ શનિવારે પસાર કર્યો હતો, જ્યારે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (બીસીઆઇ)એ તે અંગે અન્ય ન્યાયમૂર્તિઓ સાથે ચર્ચા કરવા માટે સાત સભ્યની ટીમ રચી હતી.

સુપ્રીમ કૉર્ટ બાર એસૉસિયેશને ઠરાવમાં જણાવ્યું હતું કે જાહેર હિતની બધી અરજી દેશના મુખ્ય ન્યાયમૂર્તિ કે કૉલેજિયમના સિનિયર જજ દ્વારા જ હાથ ધરવામાં આવવી જોઇએ.
તેણે જણાવ્યું હતું કે સોમવારે (પંદરમી જાન્યુઆરીએ) જાહેર હિતની જે અરજીઓની સુનાવણી થવાની છે તેને સીજેઆઇ કે કૉલેજિયમના અન્ય સભ્યોના નેતૃત્વ હેઠળની બીજી બૅન્ચને ટ્રાન્સફર કરવી જોઇએ. સુપ્રીમ કૉર્ટ બાર એસૉસિયેશનના પ્રમુખ વિકાસ સિંહે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશો વચ્ચેના આ મતભેદ અંગે અમારા સંગઠનની કારોબારીની તાકીદની બેઠકમાં ચિંતા વ્યક્ત કરાઇ હતી. તેમણે જણાવ્યું હતું કે જો જરૂર જણાશે તો અમે આ પ્રકરણમાં ચર્ચા કરવા માટે દેશના મુખ્ય ન્યાયમૂર્તિને મળીશું. આમ છતાં, સર્વોચ્ચ અદાલતના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિએ જાહેરમાં ઉઠાવેલા આ વિવાદની યોગ્યતા અંગે ચુપકીદી સેવી હતી. દરમિયાન, બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ શનિવારે પસાર કરેલા ઠરાવમાં જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતમાં ઊભા થયેલા વિવાદનો કોઇ રાજકીય પક્ષ કે નેતાએ ગેરલાભ ઉઠાવવો ન જોઇએ. અમારી ટીમ વિવાદમાં ઘેરાયેલા પાંચ જજ સિવાયના સર્વોચ્ચ અદાલતના બધા ન્યાયાધીશોની સાથે આ પ્રકરણમાં ચર્ચા કરશે. તેમણે જણાવ્યું હતું કે અમે આ કિસ્સામાં અન્ય જજનો અભિપ્રાય લઇશું. આવા મુદ્દા જાહેરમાં ચગાવવા ન જોઇએ. બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે કેસની ફાળવણી સહિતના સર્વોચ્ચ અદાલત કે અન્ય અદાલતોમાંના ન્યાયાધીશો વચ્ચેના મતભેદને આંતરિક યંત્રણા દ્વારા જ ઉકેલવા જોઇએ.

(10:52 am IST)