Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

એટીએસે કલ્યાણ રેલવે સ્ટેશન નજીકથી સાત નક્સલવાદીને પકડી પાડ્યા

મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) કલ્યાણ રેલવે સ્ટેશન નજીક છટકું ગોઠવી મુંબઈ અને મુંબઈ બહાર વિવિધ વિસ્તારોમાં રહેતા સાત જેટલા કથિત નક્સલવાદીઓને પકડી પાડ્યા હતા.

 

નક્સલવાદીઓનું જૂથ કલ્યાણ રેલવે સ્ટેશન ખાતે આવવાનું હોવાની માહિતી એટીએસને મળી હતી. માહિતીને આધારે એટીએસના કાલાચોકી યુનિટના અધિકારીઓની ટીમે શનિવારે છટકું ગોઠવી સાત જણને પકડી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓને કોર્ટે ૧૬ જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારતાં તેમની વધુ પૂછપરછ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર તાબામાં લેવાયેલા શખસો પોલીસ ટીમને સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. ઉડાઉ જવાબને કારણે પોલીસે શંકાને આધારે તેમના નિવાસસ્થાનોએ સર્ચ હાથ ધરી હતી. કહેવાય છે કે આરોપીઓના ઘરમાંથી પ્રતિબંધિત સંસ્થાને લગતા વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મૂળ તેલંગાળાના રહેવાસી એવા આરોપીઓ હાલમાં મુંબઈના રમાબાઈ આંબેડકર નગર, કામરાજ નગર, વિક્રોલી, ડોમ્બિવલી વિસ્તારમાં રહેતા હતા. શખસો ગેરકાયદે પ્રવૃત્તિ વિરુદ્ધના કાયદા હેઠળ પ્રતિબંધિત એક સંસ્થા માટે કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે નક્સલવાદીઓએ મહારાષ્ટ્ર અને ગુજરાતના અમુક વિસ્તારોને ગોલ્ડન કોરિડોર તરીકે જાહેર કર્યા છે અને ત્યાં પોતાની ચળવળ  ચલાવી રહ્યા છે. પકડાયેલામાંથી મુખ્ય આરોપી અને તેના સાથીઓ ગોલ્ડન કોરિડોર માટે કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

(10:49 am IST)