Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

નાગરિકતા બિલથી પુર્વોતર રાજયોમાં ભાજપાને ભારે નુકસાન

આસામમાં ૨૦૨૧માં વિધાનસભાની ચુંટણી આવી રહી છે તેના ઉપર ઘેરા પડઘા પડવાની સંભાવના વધી ગઇ

ગૌહતીઃ પોતાના ચુંટણી ઢંઢેરામાં અપાયેલ વચન અનુસાર ભાજપાએ સીટીઝન એમેન્ડમેન્ટ બીલ (સીએબી),૨૦૧૯નેસંસદમાં પાસ કરાવી લીધું છે. ગયા વર્ષે રાજયસભામાં આ બિલને પસાર કરાવવામાં નિષ્ફળતા મળ્યા પછી આ વખતે સીએબીનું સુધારેલુ વર્ઝન પુર્વોતરના જુદા જુદા જુથો સાથે વિચાર વિમર્શ કરીને રજૂ કર્યુ હતું.

પણ આ બિલથી ભાજપાને ફાયદો થવાના બદલે આસામ, ત્રિપુરા અને પુર્વોતરના અન્ય પાંચ રાજયોમાં થઇ રહેલા હિંસક વિરોધના કારણે આગામી લોકસભા અને વિધાન સભાની ચુંટણીમાં ભાજપાને નુકસાન થવાનો ભય નિષ્ણાંતો સેવી રહ્યા છે.

સીનીયર પત્રકાર મૃણાલ તાલુકદારે કહ્યું છે કે આ કાયદો અમલમાં મુકાવાથી ૨૦૨૧ની આસામની વિધાનસભા ચુંટણીમાં ભાજપા માટે મુશ્કેલીઓ ઉભી થશે. અત્યારે આસામમાં ભાજપાની પહેલ વહેલી સરકાર છે. ૧૨૬ બેઠકોમાંથી તેને ૨૦૧૬ની ચુંટણીમાં ૬૦ બેઠકો મળી હતી તેણે આસામ ગણ પરિષદ (૧૪) અને બોડો પીપલ્સ ફ્રન્ટ (૧૨) ની મદદથી સરકાર બનાવી છે. ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં તેને રાજયની ૧૪માંથી ૯ બેઠકો મળી હતી.

તાલુકદારે કહ્યું કે સીએબીના થઇ રહેલા વિરોધના કારણે એવું દેખાય છે કે આ વિસ્તારમાં આસામ ગણ પરિષદનું સ્થાન લેવા એક નવા રાજકીય પક્ષની રચના થાય. તેના અનુસાર, આ નવા મોરચાની બિન અધિકૃત ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે અને ૨૦૨૧ની વિધાનસભા ચુંટણીમાં ૨૫ થી ૩૦ બેઠકો જીતીને કિંગમેકર બની શકે તેમ છે. આ મોરચાને મળનારી બેઠકોનું નુકસાન ભાજપાને થઇ શકે તેમ હોવા છતાં તેને પાંચ લાખ હિંદુ બાંગ્લાદેશીઓના મત મળી શકે જે તેને સીએબીના લીધે મળશે.

(3:30 pm IST)