Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

નિર્ભયાની માતાએ એક આરોપીની રિવ્યૂ પિટિશનને સુપ્રીમ કોર્ટમાં પડકારી, ડેથ વોરન્ટમાં વિલંબ

પટિયાલા હાઉસ કોર્ટે સુપ્રીમમાં પુર્નવિચાર અરજીના નિકાલ અગાઉ ડેથ વોરંટ ઈશ્યૂ કરવા ઈનકાર કર્યો : આરોપી અક્ષય ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં પુર્નવિચાર અરજી દાખલ કરી છે

નવી દિલ્હી, તા.૧૩: નિર્ભયા ગેંગરેપના એક આરોપીએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન કરી હોવાથી નિર્ભયાની માતાએ આ અરજીને પડકારતી અરજી દાખલ કરી છે. ફાંસીની સજા પામેલા આરોપી અક્ષય ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં પુર્નવિચાર માટે અરજી કરી છે. આ અરજી વિરુદ્ઘ નિર્ભાયની માતાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. અક્ષય ઠાકુરે કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ૧૭ ડિસેમ્બરના સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે.

નિર્ભયાની માતાએ અરજીમાં જણાવ્યું છે કે દોષીતોએ ફાંસીમાં વિલંબ થાય તે હેતુથી રિવ્યૂ પિટિશન કરી છે. તેમણે જણાવ્યું કે આરોપીઓને વહેલી તકે ફાંસીના માંચડે લટકાવી દેવા જોઈએ અને તેમાં અકારણ કોઈ વિલંબ ના કરવો જોઈએ. અગાઉ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં શુક્રવારે નિર્ભયા ગેંગરેપના ચારેય આરોપીઓ પવન ગુપ્તા, અક્ષય ઠાકુર, મુકેશ સિંહ અને વિનય શર્માને ફાંસીએ લટકાવવા માટેના ડેથ વોરંટ ઈશ્યૂ કરવાના મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે ડેટ વોરન્ટ ઈશ્યૂ કરવાનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટે જણાવ્યું કે હજી સુધી એક દોષિની પુર્નવિચાર અરજી પર સુપ્રીમ કોર્ટમાં છે. જેને પગલે ડેથ વોરન્ટ ઈશ્યૂ કરી શકાય નહીં. પટિયાલા હાઉસ કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જ ૧૮ ડિસેમ્બરના ડેથ વોરન્ટ પર સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું.

તિહાર જેલમાં નિર્ભયા ગેંગરેપના ચારેય આરોપીઓને એકસાથે ફાંસી આપવાની તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે. તિહાર જેલે ચારેયને એકસાથે ફાંસી આપવા એક નવી પદ્ઘતિ વિકસાવી છે અને તેનું પરીક્ષણ થઈ રહ્યું છે. ફાંસીના માંચડામાં થોડો બદલાવ કરીને આ પદ્ઘતિ તૈયાર કરાઈ છે. સૂત્રોના મતે જેલ તંત્ર એ પણ ચકાસી રહ્યું છે કે માંચડો એકસાથે ચારેય આરોપીઓનું વજન ઉપાડી શકશે કે કેમ. ચારેયને એકસાથે જ ફાંસી આપવાની સંભાવના છે. કારણ કે તબક્કાવાર ફાંસી આપવામાં કોઈ એક આરોપી વિચલીત થાય છે અને તે બિમાર પડી જાય છે તો ફાંસી મુલતવી રાખવી પડી શકે છે.

(3:25 pm IST)