Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

આધાર કાર્ડ ભારતની નાગરિકતાનો પુરાવો નથીઃ કોર્ટ

મુંબઈની કોર્ટે બાંગ્લાદેશની મહિલાને ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા મામલે એક વર્ષની જેલની સજા ફટકારી

મુંબઈ, તા.૧૩: મુંબઈની એક કોર્ટે નાગરિકતા સાથે સંલગ્ન એક કેસની સુનાવણી કરતા જણાવ્યું કે, આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી. કોર્ટે આ કેસમાં ૩૫ વર્ષની મહિલાને દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા મામલે દોષિ ઠેરવતા એક વર્ષની જેલની સજા ફટકારી છે.

મુંબઈમાં દહિસર વિસ્તારમાં વસવાટ કરનારી જયોતિ ગાજી ઉર્ફ તસ્લીમા રબીઉલને મજિસ્ટ્રેટ કોર્ટે પાસપોર્ટ રૂલ્સ એન્ડ ફોરેર્ન્સ ઓર્ડર હેઠળ દોષિ જાહેર કરી છે. કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, પાન કાર્ડ, આધાર કાર્ડ અથવા સેલ ડીડ જેવા દસ્તાવેજ કોઇપણ વ્યકિતની નાગરિકતા સબિત કરવા માટે પૂરતા દસ્તાવેજ નથી.

કોર્ટે જણાવ્યું હતું કે, નાગરિકતા સાબિત કરવા માટે સામાન્ય રીતે જન્મનું પ્રમાણપત્ર, જન્મસ્થાન, માતા-પિતાનું નામ, માતા-પિતાનું જન્મસ્થાન અને નાગરિકતાના પુરાવારૂપે જરૂરી છે. કેટલીક વખત દાદા-દાદીનું જન્મ સ્થાન પણ જરૂરી હોય છે.કોર્ટે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, આવા કેસમાં આરોપીની ઉપર પુરાવા અને દસ્તાવેજ રજુ કરવાની જવાબદારી છે, જેથી સાબિત થઇ શકે છે કે તે વિદેશી નાગરિક નથી. રબીઉલે દાવો કર્યો હતો કે, તે બાંગ્લાદેશની રહેવાસી છે અને ૧૫ વર્ષ અગાઉ શહેરમાં આવી હતી. કોર્ટે આ અંગે જણાવ્યું હતું કે, તે એક બાંગ્લાદેશી નાગરિક છે અને તેણે કોઇપણ કાયદેસર પાસપોર્ટ અથવા પ્રવાસના દસ્તાવેજનો ઉપયોગ કર્યા વગર જ ભારતમાં પ્રવેશ કર્યો છે.

કોર્ટે મહિલા હોવાના આધારે રબીઉલને છૂટ આપવાની દલીલને ફગાવતા જણાવ્યું હતું કે, અમારા મતે જો આવા પ્રકારે છૂટછાટ આપવામાં આવશે તો તે રાષ્ટ્રીય સુરક્ષા અને ભારતીય નાગરિકોના અધિકારો માટે જોખમકારક સાબિત થઇ શકે છે. કોર્ટે આદેશ આપ્યા હતા કે એક વર્ષની સજા ભોગવ્યા બાદ રબીઉલને દેશમાંથી બહાર મોકલવામાં આવે. ૨૦૦૯માં રબીઉલ સહિત ૧૬ અન્ય લોકો વિરુદ્ઘ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રબીઉલ સિવાયના તમામ આરોપી ફરાર છે.

(3:23 pm IST)