Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

પાકિસ્તાનમાં વકીલોએ કાળો કોટ લજવ્યોઃ ભારે તોફાન

૪ દર્દીના ઓકિસજન માસ્ક ખેંચી લેતા મોતઃ કુલ ૧પ મોતઃ રપ ઘાયલ પંજાબના પ્રધાનની ધોલાઇ કરી

ઇસ્લામાબાદ તા. ૧૩ : પાકિસ્તાનના લાહોરમાં બુધવારે મોટી હિંસક ઘટના બની ગઇ હતી. અહીં રોડ પર વિરોધ પ્રદર્શન કરી રહેલા વકીલોની પંજાબ ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજી (પીઆઇસી)ના ડોકટરો સાથે ઝપાઝપી થઇગઇ હતી. જેમાં ૧પ લોકો માર્યા ગયા અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. રિપોર્ટ અનુસાર, વકીલો મોટી સંખ્યામાં પીઆઇસી હોસ્પીટલ પર પહોંચીને ડોકટરો પર હુમલો કર્યો હતો.

આ બનાવમાં પીઆઇસી હોસ્પીટલને ભારે નુકસાન પહોંચ્યુ હતુ કે કેમ કે તોફાની વકીલોએ હોસ્પીટલની બારીઓના કાચ તોડી નાખ્યા અને ઉપકરણોને પણ ભારે નુકસાન પહોંચાડયુ હતુ. હિંસા પર ઉતરી આવેલા વકીલોએ આઇસીયુને પણ નહોતું છોડયુ અને ત્યાં પણ દંગલ મચાવ્યુ હતુ. પીઆઇસીના ડોકટરોનું કહેવું છે કે વકીલોના હુમલામાં ગંભીર રીતે ઘાયલ કેટલાક દર્દીઓ સહિત ઓછામાં ઓછા ૧પ લોકોના મોત થયા હતા. જયારે રપ લોકો ઘાયલ થયા હતા.

રિપોર્ટ અનુસાર, પંજાબના માહિતી પ્રધાન ફયાઝખાન ચૌહાણ પણ વકીલોના હુમલામાં ઘાયલ થયા છે. આ ઘટના પછી તરત વડાપ્રધાન ઇમરાન ખાને તાત્કાલીક કાર્યવાહીનો નિર્ણય લીધો અને પંજાબના મુખ્યપ્રધાન ઉસ્માન બુજદારને બનાવની તાત્કાલીક તપાસના હુકમો કર્યા હતા. વકીલોએ ગુરૂવારે લાહોરમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. થોડા દિવસ પહેલા આ હોસ્પીટલમાં ડોકટરોએ વકીલો પર હુમલો કર્યો હતો. બુધવારનો હિંસક હુમલો તેના બદલારૂપે હોવાનું જણાવાઇ રહયું છે.

બુધવારે બંન્ને પક્ષો વચ્ચે સુલેહ થવાની હતી પણ અચાનક વકીલોનું જુથ પીઆઇસી હોસ્પીટલ પહોંંચ્યુ અને ડોકટરો પર  હુમલો કરી દીધો વકીલોનું ઉગ્ર રૂપ જોઇને પેરા મેડીકલ સ્ટાફ હોસ્પીટલ છોડીને ભાગી ગયો હતો જયારે જે ડોકટરો વકીલોના હાથમાં આવી ગયા તેની જોરદાર ધોલાઇ કરવામાં આવી હતી. ઘાયલ થયેલામાં એક લેડી ડોકટર અને મહિલા રીપોર્ટર પણ સામેલ છે. આ ઉપરાંત વકીલોએ પોલીસની એક ગાડી પણ સળગાવી દીધી હતી. હોસ્પીટલની સુરક્ષા માટે તહેનાત પોલીસો વકીલોનું હિંસક રૂપ જોઇને પોતાની ગાડી છોડીને ભાગી ગયા હતા.

(1:11 pm IST)