Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ફાસ્ટટેગથી ટોલ વસૂલી ૫૦ ટકા પણ નથી

છપ્પન ટકા ટોલટેક્ષની વસૂલાત રોકડમાં : ૧૫ ટકા વાહનમાંજ લાગી છે ફાસ્ટેગ

નવી દિલ્હી તા.૧૩: સરકારના પુરા પ્રયત્નો છતાં ટોલપ્લાઝા પર ઇલેકટ્રોનિક ટોલ કલેકશન (ઇટીસી) દ્વારા ટોલટેક્ષ વસૂલાતનો આંકડો ૫૦ ટકાથી નીચે જ રહ્યો છે, જયારે દેશભરમાં વાહનો માટે ફાસ્ટેગ ફરજીયાત કરવાની મુદ્દત ૧૫ ડીસેમ્બરે પુરી થવાની છે.

રોડ પરિવહન અને નેશનલ હાઇવે મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે હાલમાં ટોલ પ્લાઝા પર રોજની ૭૮ કરોડની છે. જયારે બાકીના ૪૩ કરોડ રૂપિયા રોકડમાં ચુકવાય છે. એટલે કે ફાસ્ટેગ દ્વારા વસૂલાતનો આકડો ૪૪ ટકા આસપાસ પહોંચી શકયો છે જયારે ૫૬ ટકા ટોલટેક્ષ રોકડમાં ચૂકવાય છે.

અધિકારી અનુસાર, ઇટીસીમાં આરએફઆઇડીની મદદથી વાહનમાં લાગેલ ફાસ્ટેગથી ટોલની ચુકવણી ઓટોમેટીક થઇ જાય  છે. અત્યારે દેશભરમાં રોજ સરેરાશ સવા લાખ ફાસ્ટેગ વેચાય છે.

તેમણે જણાવ્યું કે છેલ્લા છ મહિનામાં કુલ ૯૨ લાખ ફાસ્ટેગ વેચાઇ ચુકયા છે, જયારે ડબલ એકસલ ટ્રક, ટ્રેલર અને ટેમ્પોની સંખ્યા એક કરોડથી વધારે છે. સરકારી અને ખાનગી કારોને આમાં ઉમેરવામાં આવે તો આ આંકડો સાત કરોડે પહોચે છે. આ હિસાબે હજુ ખાનગી અને વ્યવસાયીક વાહનોમાં ૧૫ ટકામાંજ ફાસ્ટેગ લાગી છે.

સરકારે ફાસ્ટેગના વેચાણ માટે એસબીઆઇ, એચડીએફસી સહિત રર બેંકો અને એમેઝોન, પેટીએમ જેવા ઇ-વોલેટ એપને પણ ઉમેર્યા છે. પણ આ લોકો ગ્રાહકોને ૧૫-૨૦ દિવસ સુધી પણ ફાસ્ટેગ નથી આપી શકતા. સોશ્યલ મીડીયા પર લોકો બેંકો અને ઇ-વોલેટ પ્રત્યે નારાજી ખુલીને પ્રગટ કરી રહ્યા છે. ટોલ ફ્રી નંબર પણ યુઝરની હેરાનગતિ દુર નથી કરી શકતા.

(1:10 pm IST)