Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

કાલે કોંગ્રેસનું 'ભારત બચાવો' રેલી દ્વારા શકિત પ્રદર્શનઃ કેન્દ્રને ઘેરવાની તૈયારી

દિલ્હીમાં 'ભારત બચાવો' રેલીથી કોંગ્રેસનું શકિત પ્રદર્શનઃ નાગરિકતા સંશોધન કાયદા પર મોદી સરકારને ઘેરશે કોંગ્રેસ રાહુલ, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે

નવી દિલ્હી, તા.૧૩: મોંઘવારી, બેરોજગારી, મંદી અને ખેડૂતોની સમસ્યાને લઇને કોંગ્રેસ દ્વારા દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં આવતી કાલે ૧૪ ડિસેમ્બરના રોજ એક 'મહા રેલી'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રેલીમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મનમોહનસિંહ સહિત કોંગ્રેસ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ તેમજ કાર્યકર્તાઓ સામેલ થશે.

કોંગ્રેસની આ રેલીમાં નાગરિકતા સંશોધન કાયદાનો મુદ્દો પણ સામેલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે સંસદના બંને સદનોના આ બિલનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ કાયદા દ્વારા ધર્મના આધારે દેશના ભાગલા પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ કાયદાને સંસદમાં પાસ થવા પર તેને ઇતિહાસનો કાળો દિવસ ગણાવ્યો હતો.

૧૪ ડિસેમ્બરે યોજાનારી ભારત બચાવો રેલીને લઇને કોંગ્રેસે દેશભરમાંથી તમામ લોકોને રામલીલા મેદાન પહોંચવાનું આહ્વાન કર્યું છે. કોંગ્રેસનો દાવો છે કે આ રેલી ઐતિહાસિક રહેશે. કોંગ્રેસે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર સાચા મુદ્દાઓ પરથી દેશની જનતાનું ધ્યાન ભટકાવામાં લાગી છે. પરંતુ કોંગ્રેસ આ તમામ મુદ્દાઓને લઇને દેશની જનતાની વચ્ચે જશે.

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલે જણાવ્યું કે દેશ આ સમયે મંદીમાંથી પસાર થઇ રહ્યો છે, બેરોજગારી તેની ચરમસીમા પર છે, મોંદ્યવારીની જનતા પીસાઇ રહી છે અને ખેડૂતોની સ્થિતિ સાવ ખરાબ છે. પરંતુ કેન્દ્ર સરકાર આ દિશામાં કોઇ પગલા ઉઠાવી રહી નથી. કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે અસફળ રહી છે.

રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે જનતા કેન્દ્ર સરકારની નીતિઓથી પરેશાન છે, અર્થવ્યવસ્થા પૂરી ડામાડોળ થઇ ગઇ છે, જીડીપી ગ્રોથ સતત ઘટી રહ્યો છે ત્યારે દેશ ફરી 'પરિવર્તન'ના મૂડમાં છે.

(10:32 am IST)