Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

સુપ્રીમનો ફેંસલો દુર્ભાગ્યપૂર્ણ છે : મુસ્લિમ બોર્ડની પ્રતિક્રિયા

રામ જન્મભૂમિ ન્યાસ દ્વારા નિર્ણયની પ્રશંસા કરાઈ : સુપ્રીમ દ્વારા અરજી ઉપર વિચારણા કરાઇ નથી : જફરયાદ જીલાની

નવી દિલ્હી, તા. ૧૨ : અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટે તમામ ફેરવિચારણા અરજીઓને ફગાવી દેવામાં આવ્યા બાદ આને લઇને મુસ્લિમ લો બોર્ડ તરફથી પ્રતિક્રિયા આવી ચુકી છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વકીલ જફરયાદ ગિલાનીએ આને ખુબ કમનસીબ તરીકે ગણાવીને આની નિંદા કરી હતી જ્યારે રામ જન્મભૂમિ ન્યાસના વરિષ્ઠ સભ્ય રામવિલાસ વેદાંતીએ કહ્યું હતું કે, કોંગ્રેસનું કાવતરું હતું જે ફ્લોપ રહ્યું છે. ગિલાનીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે અમારી ફેરવિચારણા અરજી ઉપર વિચારણા કરવાનો ઇન્કાર કરી દીધો છે જે કમનસીબ બાબત છે. તેમણે કહ્યું હતું કે, આગામી પગલા કયા રહેશે તે અંગે હજુ કોઇ વાત કરી શકાય તેમ નથી.

            વરિષ્ઠ વકીલ રાજીવ ધવન સાથે વાતચીત કર્યા બાદ સંદર્ભમાં અંતિમ નિર્ણય કરવામાં આવશે. બીજી બાજુ બાબરી મસ્જિદની તરફેણ કરનાર ઇકબાલ અન્સારીની અરજી પણ ફગાવી દેવામાં આવી છે. જો કે, તેઓએ કહ્યું હતું કે, રિવ્યુ અરજી દાખલ કરવા માટે ઇચ્છુક હતા. અન્સારીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે ૯મી નવેમ્બરના દિવસે જે ચુકાદો આપ્યો હતો તે દેશના વ્યાપક હિતમાં લેવામાં આવ્યો હતો.

(12:00 am IST)