Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

નિર્ભયા કેસ : અક્ષયની અરજી પર ૧૭મી ડિસેમ્બરે સુનાવણી

અક્ષય દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી : પ્રદૂષણની રજૂઆત કરીને માફી આપવાની દલીલો કરાઈ

નવીદિલ્હી, તા. ૧૨ : સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસમાં એક દોષિત અક્ષયકુમાર સિંહની ફેરવિચારણા અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં ૧૭મી ડિસેમ્બરના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેંચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. નિર્ભયાના ચાર અપરાધીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. અક્ષય દ્વારા પોતાની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પ્રદૂષણના કારણે પહેલાથી લોકોની લાઇફ ઘટી રહી છે. ફાંસી આપવાની રૂ શું દેખાઈ રહી છે. પોતાની અરજીમાં અક્ષય દ્વારા કહેવામાં આવ્યું છે કે, દિલ્હીની હવા અને પાણીમાં જીંદગી ઘટી રહી છે. આવી સ્થિતિમાં મોતની સજા માટેનું કારણ સમજાતુ નથી. ગાંધીજી હંમેશા કહેતા હતા કે, કોઇ નિર્ણય લેતા પહેલા સૌથી ગરીબ વ્યક્તિ અંગે વિચારણા કરવાની રૂ છે. ચુકાદો કોને કઇ રીતે મદદ કરશે તે બાબત મહત્વપૂર્ણ છે.

          તેમની દયા અરજી પર એકબાજુ રાષ્ટ્રપતિનો ચુકાદો આવ્યો નથી ત્યાં ફાંસીના ડરથી ભયભીત થયેલા દોષિત તિહાર જેલમાં ભોજન યોગ્યરીતે કરી રહ્યા નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, તેમને કેદીઓમાં ચાલી રહેલી ચર્ચા મારફતે જાણવા મળી ચુક્યું છે કે, કોઇપણ સમયે તેમને ફાંસી આપવામાં આવી શકે છે. નિર્ભયા ગેંગરેપના ત્રણ અપરાધી અક્ષય, મુકેશને મંડોળી જેલથી અહીં લાવવામાં આવી ચુક્યા છે. પવનને તિહારની જેલ નંબર ૨ના વોર્ડ નંબર ત્રણમાં રાખવામાં આવ્યા છે જ્યારે ચોથા અપરાધી વિનય શર્માને જેલ નંબર ચારમાં રાખવામાં આવ્યો છે. ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે રાત્રે દિલ્હીની ફિઝિયોથેરાપીની વિદ્યાર્થીની સાથે ગેંગરેપની ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. ઘટના બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા.

           દિલ્હી પોલીસે મોડેથી તમામ અપરાધીઓની ધરપકડ કરી હતી જેમાંથી એક રામસિંહે તિહાર જેલમાં આપઘાત કરી લીધો હતો. પાંચ આરોપીઓમાંથી એક કિશોર હોવાથી તેને જુએનાઇલ હોમમાં મોકલી દેવામાં આવ્યો હતો જ્યારે બાકીના ચારને ફાંસીની સજા કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટમાં ચુકાદાને સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય ઠેરવ્યો હતો. ફાંસીની સજાને લઇને હવે અપરાધીઓ પાસે કોઇ વધારે વિકલ્પ રહ્યા નથી. રાષ્ટ્રપતિ પાસે દયાની અરજીનો મામલો પહોંચી ચુક્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા અપરાધીઓની દયાની અરજીને ફગાવી દેવા માટે ભલામણ કરી છે. નિર્ભયા મામલામાં વિરોધ વંટોળ હજુ પણ જારી છે. નિર્ભયા મોત મામલામાં તારીખ પણ નજીક આવી રહી છે ત્યારે એવી અટકળો પણ છે કે, ૧૬મી અથવા તો ૩૧મી ડિસેમ્બર વચ્ચેના ગાળામાં કોઇપણ સમયે ફાંસી આપવામાં આવી શકે છે.

(12:00 am IST)