Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ગૌહાતી બાદ શિલોંગમાં હિંસક પ્રદર્શન બાદ કર્ફ્યૂ લદાયો : મેઘાલયમાં 48 કલાક માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ

મુખ્યમંત્રી કોનરાડ સંગમા રાત્રે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહને મળવા દોડી ગયા

નાગરિકત્વ સુધારણા બિલને લઈને ઉત્તર પૂર્વમાં ઘણા સ્થળોએ વિરોધ પ્રદર્શન સતત ચાલુ છે. ત્યારે આ દરમિયાન મેઘાલયમાં પણ મોબાઇલ ઇન્ટરનેટ અને મેસેજિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર મેઘાલયમાં 48 કલાકથી મોબાઇલ ઇન્ટરનેટ અને મેસેજિંગ સેવા બંધ કરી દેવામાં આવી છે.

   આ અગાઉ પણ નોર્થ ઇસ્ટના ઘણા વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ અને મેસેજિંગ સેવાઓ પર પ્રતિબંધ હતો. ગુવાહાટી બાદ શિલોંગમાં પણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ, મુખ્યમંત્રી કોનરાડ સંગમા ગુરુવારે રાત્રે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહને મળવા જઈ રહ્યા છે

   આ બંને નાગરિકતા સુધારણા બિલ પર બેઠક કરશે. સંગમાનું નામ ઉત્તર પૂર્વના મુખ્યમંત્રીઓમાં પણ શામેલ છે, જે શરૂઆતથી જ આ બિલનો વિરોધ કરે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે સંસદ દ્વારા પસાર કરાયેલ નાગરિકતા સુધારણા બિલ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રચંડ રૂપ લઈ રહ્યા છે. ગુરુવારે વિરોધ પક્ષે ધારાસભ્યના ઘર, વાહનો અને સર્કલ ઓફિસમાં આગ લગાવી હતી. જ્યારે સરકારે કાર્યવાહી કરતાં ગુવાહાટી પોલીસ કમિશનર અને મુખ્ય પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

(12:00 am IST)