Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીને લઇને મડાગાંઠ : બેઠકો જારી

રાહુલ અને સોનિયા ગાંધી દ્વારા બેઠકોનો દોર : રાજસ્થાનમાં ગેહલોત-સચિનના સમર્થકો આમને સામને આવ્યા : એમપીમાં સિંધિયાના સમર્થકોનો પણ હોબાળો

નવી દિલ્હી, તા. ૧૩ : રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી કોણ રહેશે તેને લઇને ભારે ઘમસાણની સ્થિતિ આજે સતત બીજા દિવસે જારી રહી હતી. રાજસ્થાનમાં એકબાજુ સચિન પાયલોટના સમર્થકોએ ભારે ધાંધલ ધમાલ મચાવી હતી. આખરે સચિન પાયલોટે શાંતિ જાળવી રાખવા માટે સમર્થકોને અપીલ કરી હતી. બીજી બાજુ બેઠકોનો દોર મોડી રાત સુધી જારી રહ્યો હોવા છતાં બંને રાજ્યોમાં મડાગાંઠની સ્થિતિ રહી હતી. રાજસ્થાનમાં સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે અને મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ વચ્ચે ખેંચતાણનો દોર જારી રહ્યો હતો. રાહુલ ગાંધીએ જુદી જુદી રીતે બેઠકો પણ યોજી હતી. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ બેઠકો કરીને સ્થિતિને હળવી કરવા આ પ્રયાસ કર્યા હતા. ડેમેજ કન્ટ્રોલના પ્રયાસો પણ કરાયા હતા. બીજી બાજુ ગહેલોત અને સચિન પાયલોટના સમર્થકો તેમના ઘરની બહાર જમા થયા હતા. આજે બપોરે અશોક ગેહલોતના સમર્થકોએ એરપોર્ટ પર જઇને નારેબાજી કરી હતી. એરપોર્ટની બહાર હજારોની સંખ્યામાં લોકો અશોક ગેહલોતને મુખ્યમંત્રી બનાવાની માંગ ઉપર મક્કમ રહ્યા હતા. સચિન પાયલોટ અને ગેહલોતના સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં પોલીસ જવાનો ગોઠવવામાં આવ્યા હતા. ગેહલોતના આવાસની બહાર પણ લોકો એકત્રિત થયા હતા. સચિન પાયલોટના સમર્થકોએ પણ કરોલીમાં નાકાબંધી કરી હતી. ટ્રાફિકજામ કરીને કેટલાક ટાયરો સળગાવ્યા હતા. બંને રાજ્યોમાં જોરદાર મડાગાંઠ રહી હતી. બીજી બાજુ રાહુલ ગાંધીએ કમલનાથ અને સિંધિયાની સાથે બેઠક યોજી હતી. નામની જાહેરાત આજે નહીં કરવામાં આવે તેમ પણ માનવામાં આવે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ મોડેથી ભોપાલ જવા રવાના થયા હતા. પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક યોજશે ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. ભોપાલમાં પ્રદેશ કાર્યાલયોની બહાર સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. ચાર ડઝનથી વધુ યુવાનોએ હોર્ડિંગ લગાવીને દેખાવો કર્યા હતા. કાર્યકરોમાં ભારે ઉત્સાહ દેખાયો હતો. એકબાજુ મધ્યપ્રદેશમાં કમલનાથને અને રાજસ્થાનમાં ગેહલોતને હજુ પણ ફેવરિટ ગણવામાં આવે છે.

(9:45 pm IST)