Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

સંસદ પર હુમલાની વરસી વેળા વડાપ્રધાન મોદી- કોંગ્રેસ પ્રમુખ રાહુલ એક સાથે

બંને નજીક હોવા છતાં એકબીજા સાથે વાત ન કરી : મોદી મનમોહનસિંહ સાથે વાતચીત કરતા દેખાયા : વિજય ગોયેલ અને રામદાસે રાહુલ ગાંધીની સાથે હાથ મિલાવ્યા

નવી દિલ્હી, તા. ૧૩ : ભાજપ પાસેથી ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢને આંચકી લીધાના બે દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આજે એક જગ્યાએ એકત્રિત થયા હતા. બંને નેતાઓ એકબીજાથી ખુબ ઓછા અંતરે રહ્યા હોા છતાં બંનેએ એકબીજા સાથે વાત કરી ન હતી. સંસદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં બંને એક સાથે નજરે પડ્યા હતા. વર્ષ ૨૦૦૧માં સંસદ પર કરવામાં આવેલા આંતકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત કાર્યક્રમમાં બંને નેતાઓ એકસાથે નજરે પડ્યા હતા. મોદી કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહનસિંહ સાથે વાતચીત કરતા દેખાયા હતા પરંતુ રાહુલ ગાંધી સાથે વાતચીત કરી ન હતી. કેન્દ્રીયમંત્રી વિજય ગોયેલ અને સામાજિક ન્યાયમંત્રી રામદાસ અઠવાલેએ કોંગ્રેસ પ્રમુખ સાથે હાથ મિલાવ્યા હતા. રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુ, લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન, ભાજપના પીઢ નેતા એલકે અડવાણી, યુપીએના ચેરમેન સોનિયા ગાંધી અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજ દિવસે ૧૭ વર્ષ અગાઉ કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલાઓને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ વેળા ખુબ જ શિસ્તમાં તમામ નેતાઓ દેખાયા હતા. ૧૩મી ડિસેમ્બર ૨૦૦૧ના દિવસે પાંચ આતંકવાદીઓએ સંસદ સંકુલ પર હુમલો કર્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં પાંચ દિલ્હી પોલીસના જવાન, સીઆરપીએફના મહિલા કોન્સ્ટેબલ, સંસદમાં વોચ અને વોર્ડ સ્ટાફના બે સભ્યો, ગાર્ડનર અને કેમેરામેનનું મોત થયું હતું. બે દિવસ પહેલા જ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીએ જોરદાર સપાટો બોલાવ્યો હતો. ભાજપ પાસેથી ત્રણ રાજ્યો કોંગ્રેસે આંચકી લીધા હતા.

(7:48 pm IST)