Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

દેશભરમાં કાતિલ ઠંડીનું મોજુઃ કારગિલમાં માઇનસ ૯.૩

પંજાબ-હરિયાણામાં કરા પડયાઃ હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાઃ રેલ્વે-હવાઇ સેવાને અસરઃ ૩૦ ટ્રેનો ર મહિના માટે કેન્સલઃ ઠંડી હજુ વધશે

નવી દિલ્હી તા.૧૩: પહાડી રાજયોમાં બરફવર્ષાથી ઉતરભારતમાં ઠંડી વધી ગઇ છે. બુધવારે ઉતરાખંડના ચારધામ, હિમાચલના શીમલા અને જમ્મુ -કાશ્મીરમાં ખીણ અને લદાખ જુદા જુદા વિસ્તારોમાં જોરદાર બરફ વર્ષા થઇ હતી. કારગીલમાં પારો શૂન્યથી નીચે ૯.૩ ડીગ્રી નોંધાયો તો ગુલમર્ગમાં શૂન્થી નીચે આઠ ડીગ્રી.

રાજયમાં રેલ્વેની અવર જવરને પણ અસરથઇ હતી. જમ્મુ-પહોંચતી લાંબા અંતરની ઘણી ટ્રેનો મોડી પહોંચી હતી. હિમવર્ષાના કારણે કાશ્મીર ખીણ અને લદાખમાં ઠંડી વધી છે. પંજાબમાં સતત ત્રીજા દિવસે વાદળો છવાયેલા રહયા અને એવી જ સ્થિતિ હરિયાણામાં પણ હતી. ત્યાં મંગળવારથી પડી રહેલા ઝાપટાને કારણે ઠંડી વધી ગઇ છે. મધ્યપ્રદેશમાં પણ મોસમ બદલાઇ છે. ગ્વાલીયરમાં હળવો વરસાદ થયો છે. દિલ્હીમાં પણ ઉષ્ણતામાનમાં ઘટાડો નોંધાયો છે.

ઉતરાખંડમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી ઉપરાંત ઓૈલી, હર્ષિલ અને મસુરના ઉંચા શિખરો પર થયેલી બરફવર્ષાના કારણે આખો વિસ્તાર શિતલહેરની ઝપટમાં આવ્યો છે. કુમાંઉંમાં હિમાલયના ઉંચા શિખરો પર હિમવર્ષા અને ખીણના કેટલાય વિસ્તારોમાં વરસાદથી એકાએક ઠંડી વધી ગઇ છે.

બુધવારે સાંજ સુધીમાં ગંગોત્રી અને કેદારનાથમાં એક એક ફુટ બરફ પડયો હતો. અહીંયા લગભગ છ કલાક સુધી સતત હિમવર્ષા થઇ. ગોમુખ અને નેલાંગ ખીણમાં એક ફુટથી પણ વધારે બરફ પડયો. મસુરીની ઉંચી પહાડીઓ પર પણ બરફ પડયો હતો. ચમોલી, રૂદ્ર પ્રયાગ, ટીહરી, ઉતરકાશી સાથે દુન અને હરિદ્વારમાં પણ હળવો વરસાદ થયો હતો. ઉષ્ણતામાનમાં બે થી ચાર ડીગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો હતો.

ઝાકળના કારણે રેલ્વેની અવર જવરને પણ અસર થઇ હતી. બુધવારે ચંદીગઢ સવારે ૯.૩૫ વાગ્યે પહોંચતી ઉંચાહાર એકસપ્રેસ સવા નવા કલાક મોડી થઇને સાંજે ૬.૫૦ વાગ્યે પહોંચી હતી. જણાવી દઇએ કે રેલ્વેએ મોસમના કારણે ૩૦ ટ્રેનો બે મહિના માટે રદ્દ કરી છે. જેમાંથી મોટાભાગની પૂર્વ દિશાની ટ્રેનો છે. ઝાકળની અસર હવાઇ માર્ગની અવર જવર પર પણ પડી હતી.(૧.૨)

(11:30 am IST)