Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

હવે ૧૬થી ૧૮ વર્ષની ઉંમરના બાળકોને મળશે ઇ-સ્કૂટરનું લાઇસન્સ

ઇ-સ્કૂટર માટે હવેથી લાઇસન્સ જરૂરી : બાળકોને ટ્રાફિકના નિયમો સમજાવાશે

નવી દિલ્હી તા. ૧૩ : ૧૬થી ૧૮ વર્ષની ઉંમરના બાળકોને ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપ સુધીના ઈ-સ્કૂટર ચલાવી શકે તે માટે આગામી ૧૫ દિવસમાં પરિવહન મંત્રાલય મોટર વ્હીકલ એકટમાં ફેરફાર કરી શકે છે. આ નિર્ણયનો હેતૂ ટીનેજર બાળકોમાં ગેરકાયદે ડ્રાઈવિંગના જોખમને સમાપ્ત કરવાનો છે. આ વાહનોમાં મહત્તમ મોટર પાવર ૪ કિલોવોટ રાખવામાં આવશે, જે માર્કેટના મોટાભાગના બ્રાન્ડ્સને આવરી લે છે.

હાલમાં ૧૬-૧૮ વર્ષની વયના બાળકોને ૫૦ સીસીના વાહન માટે લાઈસન્સ આપવામાં આવે છે. પરંતુ હાલમાં આટલા સીસીનું કોઈ વ્હીકલ માર્કેટમાં ઉપલબ્ધ નથી. સૂત્રોએ જણાવ્યું કે, ઘણા શહેરોમાં યુથ પહેલાથી ગિયરલેસ ઈલેકિટ્રક સ્કૂટર ચલાવતા જોવા મળે છે. આ વાહનોને છૂટ અપાઈ હોવાના કારણે તેમને ડ્રાઈવિંગ લાઈસન્સની પણ જરૂર રહેતી નથી. પરંતુ હવે સરકારે આ ઈલેકિટ્રક વાહનોને લાઈટ ટુ-વ્હીલર ઈલેકિટ્રક વ્હીકલના કાયદા હેઠળ લાવતા આ વાહનોને ચલાવવા માટે લાઈસન્સ જરૂરી બની જશે.

હાલમાં કેટલાક મોડલ્સ માર્કેટમાં ઉપલબ્ધ છે, જેમાંથી મુખ્ય હીરો છે. અન્ય બ્રાન્ડ્સમાં એથર અને યો બાઈકસનો સમાવેશ થાય છે. સૂત્રો મુજબ આ નિર્ણયથી ઈલેકિટ્રક ટુ-વ્હીલર માર્કેટને પ્રોસ્તાહન મળશે. અધિકારી મુજબ, એકવાર માગ વધશે એટલે વધારે નિર્માતા કંપનીઓ આવશે.

મોટર વ્હીકલ લાઈસન્સ એકસપર્ટ અનિલ ચિક્કારાએ જણાવ્યું કે, આ સારો નિર્ણય છે. કાયદા મુજબ દરેક ડ્રાઈવરને ટેસ્ટ આપવો પડશે. તેમને ટ્રાફિકના નિયમો, સાઈન બોર્ડ વગેરનું મહત્વ ખબર હોવી પડશે. હેલ્મેટનો ઉપયોગ કરવો, માર્ગ પર કાયદાનું પાલન કરવું વગેરેની જવાબદારી બાળકોમાં કેળવાશે. જો સ્કૂલો પણ ટ્રાફિકના કાયદા સમજાવવામાં બાળકોને એજયુકેટ કરશે તો વધારે મદદ થશે.(૨૧.૧૦)

 

(11:29 am IST)