Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

23 વર્ષનો યુવાન આઝાદી માટે માંચડે ચડી ગયો પણ ભીખ ના માંગી : કંગનાને વિશાલ દદલાનીએ આઝાદીનો પાઠ ભણાવ્યો

વિશાલે લખ્યું,'એ મહિલાને યાદ અપાવો સુખદેવની, રાજગુરૂની, અશફાકઉલ્લાહની અને એવા હજારો લોકોની, જેમણે ઇનકાર કરી દીધો, ભીખ માંગવાનો ઇનકાર કરી દીધો: શહીદ સરદાર ભગત સિંહ, કવિ, ફિલોસોફર, સ્વાતંત્ર્ય સેનાની, ભારતના પુત્ર અને ખેડૂતના પુત્ર હતા. તેમણે 23 વર્ષની ઉંમરે આપણી આઝાદી માટે પોતાનો જીવ આપી દીધો અને હોઠ પર સ્મિત અને ગીત સાથે પોતે ફાંસીએ ચડી ગયા

કંગના રનૌત દરરોજ પોતાના નિવેદનને લઈને સમાચાર પત્રોની હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં જ તેણે આવું જ નિવેદન આપ્યું હતું, જેના પછી સોશિયલ મીડિયા પર લોકો અને દેશના ઘણા નેતાઓએ તેની વિરૂદ્ધ મોરચો ખોલ્યો હતો. આટલું જ નહીં તેની સામે અનેક જગ્યાએ ફરિયાદો નોંધવામાં આવી હતી અને તેની સામે કાર્યવાહીની પણ માગ કરવામાં આવી હતી. આ સાથે કેટલાક લોકોએ તેની પાસેથી પદ્મશ્રી પરત લેવાની માંગ પણ કરી રહ્યા છે.

ખરેખરમાં કંગના રનૌતે તાજેતરમાં એક ટીવી કાર્યક્રમમાં કહ્યું હતું કે,'જો હું આ લોકો સાવરકર, રાણી લક્ષ્‍મીબાઈ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ વિશે વાત કરું તો આ લોકો જાણતા હતા કે લોહી વહેશે, પરંતુ એ પણ યાદ રહે કે હિન્દુસ્તાની-હિંદુસ્તાનીઓનું લોહી ના વહે. તેમણે સ્વતંત્રતાની કિંમત ચૂકવી, પરંતુ તે સ્વતંત્રતા નહોતી, તે ભીખ હતી, અને જે સ્વતંત્રતા મળી છે તે 2014માં મળી છે'. કંગનાના આ નિવેદન બાદથી તે સોશિયલ મીડિયા પર તે સતત ટ્રોલ થઈ રહી છે.

હવે બોલિવૂડના પ્રખ્યાત સંગીત નિર્દેશક વિશાલ દદલાનીએ કંગના પર નિશાન સાધતા સ્વતંત્રતાનો પાઠ ભણાવ્યો છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તેમની ટી-શર્ટ પર શહીદ સરદાર ભગત સિંહની તસવીર પ્રિંટ છે અને લખેલું છે, 'ઝિંદાબાદ'.

આ તસવીરની સાથે તેમણે પોસ્ટમાં લખ્યું,'એ મહિલાને યાદ અપાવો જેણે કહ્યું હતું કે અમારી આઝાદી 'ભીખ' હતી. મારા ટી-શર્ટ પર શહીદ સરદાર ભગત સિંહ, કવિ, ફિલોસોફર, સ્વાતંત્ર્ય સેનાની, ભારતના પુત્ર અને ખેડૂતના પુત્ર હતા. તેમણે 23 વર્ષની ઉંમરે આપણી આઝાદી માટે, ભારતની આઝાદી માટે પોતાનો જીવ આપી દીધો અને હોઠ પર સ્મિત અને ગીત સાથે પોતે ફાંસીએ ચડી ગયા'.

વિશાલે આગળ લખ્યું,'તેને યાદ અપાવો કે, સુખદેવની, રાજગુરૂની, અશફાકઉલ્લાહની અને એવા હજારો લોકોની, જેમણે ઇનકાર કરી દીધો, ભીખ માંગવાનો ઇનકાર કરી દીધો. તેને નમ્રતાથી યાદ અપાવો, પરંતુ નિશ્ચિતપણે યાદ કરાવો, જેથી તે ફરીથી ક્યારેય ભૂલવાની હિંમત ન કરે.

(1:03 am IST)