Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

કેરળમાં ધોધમાર વરસાદ : નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : છ જિલ્લાઓમા ઓરેન્જ એલર્ટ જાહેર

તિરુવનંતપુરમ-નાગરકોવિલ રૂટ પર રેલવે ટ્રેક પર માટી પડી : ઊંચા વિસ્તારોમાં નાના ભૂસ્ખલન : ભારે થી અતિ ભારે વરસાદની ચેતવણી

નવી દિલ્હી : કેરલના અનેક વિસ્તારોમાં 12 નવેમ્બરની રાતથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ઊંચા વિસ્તારોમાં નાના ભૂસ્ખલન થયા છે. હવામાન વિભાગે શનિવારે છ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરતા ‘ઓરેન્જ એલર્ટ’ જારી કરી છે.

તિરુવનંતપુરમ, કોલ્લમ, પથનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટાયમ અને ઇડુક્કી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. એર્નાકુલમ, ત્રિશૂર, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર, વાયનાડ અને કાસરગોડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 16 નવેમ્બર સુધીમાં કેરળમાં એક કે બે સ્થળોએ વીજળી ગાજવીજ સાથે ચમકવાની પણ સંભાવના છે. તિરુવનંતપુરમ જિલ્લામાં વ્યાપક વિનાશની જાણ થઈ છે જ્યાં ગઈ કાલ રાતથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. જે બાદ જિલ્લા અધિકારીઓએ લોકોને સતર્કતા રાખવા અપીલ કરી છે.

તિરુવનંતપુરમ-નાગરકોવિલ રૂટ પર રેલવે ટ્રેક પર માટી પડી હતી અને નજીકના ઉપનગર નેયતિન્કારામાં નેશનલ હાઇવે પરના પુલનો ભાગ ભારે વરસાદમાં ધોવાઈ ગયો હતો.

(11:01 pm IST)