Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

પાકિસ્તાનના કવેટા માં રિમોટ કંટ્રોલથી વિસ્ફોટ : ૨ પોલીસ અધિકારીઓ સહિત ૭ ઇજાગ્રસ્ત

અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાનનું શાસન આવ્યું ત્યારથી પાકિસ્તાન માં આંતકવાદી હુમલા વધ્યા

કરાચી : પાકિસ્તાનના ક્વેટામાં રિમોટ કંટ્રોલ વિસ્ફોટમાં , પોલીસ અધિકારીઓ સહિત અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

પાકિસ્તાનમાં ફરી એક આતંકી હુમલાની ઘટના બની છે. પાકિસ્તાનમાં બલૂચિસ્તાનપ્રાંતમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં રિમોટ કંટ્રોલ દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં બે પોલીસ અધિકારીઓ સહિત સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

ઘટના અંગે વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) ઓપરેશન્સ અસદ નાસિરે મીડિયાને જણાવ્યું હતું કે લગભગ 4-5 કિલો વજનનો બોમ્બ રોડ પર પાર્ક કરેલી એક મોટરસાઇકલમાં ફિટ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું, 'ટાર્ગેટ પોલીસ ઈગલ સ્ક્વોડ વાન હતી અને જ્યારે તે ત્યાંથી પસાર થઈ ત્યારે બોમ્બને રિમોટ કંટ્રોલ વડે વિસ્ફોટ કરવામાં આવ્યો.' અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટમાં ઇજાગ્રસ્ત થયેલા સાત લોકોમાં બે પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય સામાન્ય નાગરિકો છે.બોમ્બ વિસ્ફોટ બાદ સુરક્ષા દળો અને બચાવ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

પોલીસે જણાવ્યું કે, ઇજાગ્રસ્તોને ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. પાકિસ્તાનનું બલૂચિસ્તાન વર્ષોથી હિંસાનું સાક્ષી છે. સ્થાનિક બલૂચ રાષ્ટ્રવાદીઓ, બલૂચ લિબરેશન આર્મી (BLA) અને તાલિબાન આતંકવાદીઓ મોટે ભાગે આવા હુમલાઓની જવાબદારી લે છે. વર્ષ 2019માં અમેરિકાએ BLAને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. આ સંગઠન બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની શાસન સામે લડી રહ્યું છે.

અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાનનું શાસન હતું ત્યારથી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અલબત્ત, પાકિસ્તાને તાલિબાનને ફરી સત્તામાં લાવવા માટે આતંકવાદીઓ અને શસ્ત્રોની સપ્લાય સહિત અનેક રીતે મદદ કરી છે. પરંતુ તે પછી પણ જીવલેણ હુમલામાં વધારો થયો છે. પાકિસ્તાનના સ્થાનિક તાલિબાને મોટાભાગના હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. જે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે TLP તરીકે પણ ઓળખાય છે. કહેવાય છે કે તેના આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં સક્રિય છે.

(8:45 pm IST)